IIT ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીનો ટોપ 100માં સમાવેશ, કેન્દ્રનો રેન્કિંગ રિપોર્ટ જાહેર
NIRF Ranking 2024:: કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ રેન્કિંગ રિપોર્ટ (એનઆઇઆરએફ) 2024 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી અને આઇઆઇટી ગાંધીનગર ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાન પામ્યું છે. ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બન્નેમાં સ્થાન પામી છે.
પ્રથમવાર ગુજરાતની એક પણ કૉલેજને રેન્ક નહીં
જ્યારે આ વર્ષે પણ ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બન્ને કેટેગરીમાં ગુજરાતની એક પણ ખાનગી યુનિવર્સિટી ટોપ 100માં નથી. ગુજરાત યુનિવર્સિટી સહિતની ઘણી શૈક્ષણિક સંસ્થાના વિવિધ કેટેગરીમાં સ્કોર વધવા છતાં અરજીઓ વધવાને લીધે રેન્કિંગમાં પાછળ ફેંકાઈ છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી ઓવરઓલ કેટેગરીમાં 85માં રેન્કથી 94 અને યુનિવર્સિટી કેટેગરીમાં 61થી 76માં રેન્ક પર પહોંચી ગઈ છે. પ્રથમવાર કૉલેજ કેટેગરીમાં ગુજરાતની એક પણ કૉલેજ દેશના ટોપ 100 રેન્કમાં આવી નથી.
આ પણ વાંચો: ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, વંદે ભારત ટ્રેનમાં મળશે LTCનો લાભ
આ વર્ષે 10,845 સંસ્થાઓએ ભાગ લીધો હતો
આ વર્ષે 9મો રેન્કિંગ રિપોર્ટ જાહેર કરાયો છે. આ વર્ષે 6517 સંસ્થાઓની 10845 યુનિવર્સિટી-કૉલેજે જુદી જુદી કેટેગરીમાં અરજી કરી હતી. રેન્કિંગમાં ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિની વાત કરીએ તો ઓવરઓલ કેટેગરીમાં આઇઆઇટી ગાંધીનગર આ વર્ષે 24મા રેન્કથી પાછળ જતાં 29મા રેન્ક પર આવી છે.
આ પણ વાંચો: દેશની કઈ યુનિવર્સિટી-કૉલેજ નંબર-1? NIRF રેન્કિંગની યાદી જાહેર, જાણો UP-બિહારની કેટલી?
જ્યારે રાજ્યની સૌથી મોટી અને જૂની સરકારી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી પણ રેન્કમાં પાછળ ફેંકાતા 85માં રેન્કમાંથી 94માં રેન્ક પર પહોંચી છે. યુનિવર્સિટી કેટેગરીમાં ગુજરાત યુનિવર્સિટી 79માં રેન્ક પર આવી છે. જે ગત વર્ષે 61માં રેન્ક પર હતી. જો કે રાજ્યની તમામ સરકારી -ખાનગી યુનિવર્સિટીઓમાં એક માત્ર ગુજરાત યુનિવર્સિટી જ સતત પાંચમીવાર દેશના ટોપ 100 રેન્કમાં આવી છે.
જીટીયુને માત્ર ફાર્મસીમાં રેન્ક
મહત્ત્વનું છે કે ગત વર્ષે જૂનમાં રિપોર્ટ જાહેર થયો હતો અને ત્યારબાદ નવા કુલપતિ આવ્યા હતા ત્યારે હાલના કુલપતિની ટર્મમાં આ પ્રથમ રિપોર્ટ છે ત્યારે એક વર્ષમાં કોઈ પણ મોટો સુધારો કે ફેરફાર થયા નથી કે રિસર્ચ-સ્ટુડન્ટ ફેસિલિટીમાં કોઈ સુધારો ન થતાં ગુજરાત યુનિવર્સિટી રેન્કિંગમાં ઉપર આવવાના બદલે પાછળ ફેંકાઈ છે. જ્યારે આ વર્ષે પણ જીટીયુ દેશની ટોપ 100 સંસ્થા કે યુનિવર્સિટીમાં સ્થાન પામી શકી નથી અને માત્ર ફાર્મસીમાં રેન્કિંગથી સંતોષ માનવો પડે છે. જે પણ ટોપ 50માં નથી. જયારે રિસર્ચ-ઇનોવેશનની કેટેગરીમાં પણ ગુજરાતની એક પણ યુનિવર્સિટી કે સંસ્થા રેન્કિંગમાં આવી નથી.
સ્કોર વધ્યો પરંતુ ગુજરાત યુનિવર્સિટી રેન્કમાં પાછળ ગઈ
મહત્ત્વનું છે કે આ વર્ષે પ્રથમવાર ગુજરાતની એક પણ કૉલેજને રેન્કિંગમાં સ્થાન મળ્યું નથી. ગત વર્ષે ગુજરાતની માત્ર સેન્ટ ઝેવિયર્સ કૉલેજ દેશની ટોપ-100 કૉલેજમાં રેન્ક મેળવી શકી હતી. નવી કેટેગરીમાં ઓપન યુનિવર્સિટી કેટેગરી, સ્કિલ યુનિવર્સિટી કેટેગરી અને સ્ટેટ પબ્લિક યુનિવર્સિટી કેટેગરી ઉમેરાઈ છે. ઓપન યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટી, આંબેડકર યુનિવર્સિટી છે અને ગુજરાતની સ્કિલ યુનિવર્સિટી હજુ નવી હોવાથી રેન્કિંગમાં નથી. જ્યારે સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીમાં દેશની ટોપ 40 યુનિવર્સિટીઓમાં ગુજરાત યુનિવર્સિટી 53.99 સ્કોર સાથે 29માં રેન્ક ઉપર આવી છે.