ભાજપમાં વિખવાદ: આ નેતાએ એક્શન લેવાની કરી માંગ તો રાદડિયાએ કહ્યું- મેં પક્ષ વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી
IFFCO Director Election: ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થતા જ ભાજપમાં વિખવાદ ઊભો થયો છે. સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, 'પાર્ટીના મેન્ટેડ વિરુદ્ધ ચૂંટણી લડનારા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.'
ભાજપ વિરુદ્ધ કામ કરે તેની સામે કાર્યવાહીની બાબુ નસીતની માંગ
બાબુ નસીતે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, ઈફકોના ચૂંટણીમાં મેન્ડેટ વિરોધ ફોર્મ ભર્યું અને ચૂંટાયા, સી.આર પાટીલ પ્રમુખ બન્યા ત્યારથી સહકારી ક્ષેત્રમાં ભાજપ-કોંગ્રેસનું ઇલું ઇલું ચાલતું હતું. આ બિપીન પટેલ ગોતાની હાર નથી ભાજપની હાર છે. 113 લોકોએ જેમણે જયેશ રાદડીયાને મત આપ્યા તેમની સામે પગલાં લો. કોંગ્રેસમાંથી આવેલ નેતા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ભાજપ વિરુદ્ધ જઈ અને કામ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.'
બાબુ નસીતના આરોપો બાદ જયેશ રાદડિયાએ આપ્યો જવાબ
બાબુ નસીતના આરોપો બાદ ઈફ્કોના ડાયરેક્ટર જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદમાં સંબોધીને આક્ષેપોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે, 'ઈફ્કોની ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ આપ્યું તે પહેલા મેં ઉમેદવારી નોંધાવી હતી. મને ખબર પણ નહોતી કે ભાજપે મેન્ડેડ આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં મારી વિધાનસભા વિસ્તારમાં મેં પાર્ટી માટે જ કામ કર્યું છે. મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી.'
જયેશ રાદડિયા ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ ચૂંટણી લડ્યાં હતા
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાનો વટભેર વિજય થયો હતો. તેમણે ભાજપના જ સત્તાવાર ઉમેદવાર બિપીન પટેલ ગોતાને પછાળી શાનદાર જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના આ બંને નેતાઓ ઈફ્કોમાં ડિરેક્ટરના પદ એકમત ન થતા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે બિપીન ગોતાને મેન્ડેટ આપ્યો છે, પરંતુ ભાજપના ધારાસભ્ય રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ દાવેદારી નોંધાવી ચૂંટણી જંગ ખેલાયો હતો. આમ સહકારી ક્ષેત્રમાં જોરદાર ઉલટફેર સાથે ભાજપ સામે ભાજપના નેતાનો જ જંગ જોવા મળ્યો હતો.