જાહેરમાં લઘુશંકા કરનારા લોકો સાવધાન! હોર્ડિંગ પર ફોટો છપાશે, આબરુના ધજાગરા કરશે પાલિકા
Morbi Clean City: 'મારું ગુજરાત, સ્વચ્છ ગુજરાત'....આ સ્લોગન તો તમે અનેકવાર સાંભળ્યું હશે. શહેરને સ્વચ્છ રાખવા માટે રાજ્યની વિવિધ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ દ્વારા નવા ગતકડાં કરવામાં આવે છે. ત્યારે શહેરને સ્વચ્છ રાખવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. મોરબી શહેરમાં જાહેરમાં લઘુશંકા કરનારાઓને એક મોટા હોર્ડિંગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લગાવેલા આ હોર્ડિંગમાં જાહેરમાં લઘુશંકા કરતાં લોકોના મોટા ફોટા લગાવવામાં આવ્યા છે. તંત્રે આ હોર્ડિંગ ભૂલથી નહીં પરંતુ જાહેરમાં લઘુશંકા કરતાં લોકોને રોકવા માટે લગાવ્યા છે. એટલું જ નહીં આ બેનર પર ચેતવણી લખી છે કે 'જાહેરમાં લધુશંકા કરશો તો તમારો ફોટો પણ બેનરમાં લાગશે.'
આ પણ વાંચો: 'ગૃહમાં સભ્યોએ સરખી રીતે બેસવું જોઈએ, તમામને શીખવાડવાનું ન હોય'..અધ્યક્ષની ધારાસભ્યો-મંત્રીઓને ટકોર
મોરબી શહેરમાં મનપા કચેરી અને શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે બેનર લગાવવામાં આવ્યા છે. જોવાનું એ રહ્યું છે કે શું બેનરોથી ફરક પડે છે કેમ? કારણ કે અગાઉ પણ ગંદકી અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. જાહેરમાં થૂંકનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દર વખતે આ પ્રકારે આરંભે શૂરાની માફક પ્રયોગો હાથ ધરવામાં આવે છે પરંતુ પૂરતા યોગ્ય પરિણામ મળતા નથી. આખરે તંત્ર હારી કંટાળીને હથિયાર હેઠા મૂકી દે છે. ત્યારે મોરબી મનપાના આ સ્વચ્છતા અભિયાનને સફળતા મળે કે છે પછી ફિયાસ્કો થશે એ તો આગામી સમય જ બતાવશે.