Get The App

પૈસા નહીં આપ તો હાથ- પગ વિનાનો કરી નાખશું, વ્યાજખોરોએ ધમકી આપી

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
પૈસા નહીં આપ તો હાથ- પગ વિનાનો કરી નાખશું, વ્યાજખોરોએ ધમકી આપી 1 - image


પંજાબી-ચાઇનીઝ રેસ્ટોરન્ટના માલિકે પ્ર.નગરમાં ફરિયાદ નોધાવી

વ્યાજે લીધેલા રૃા. ૧ લાખના બદલામાં રૃા. ૨.૪૫ લાખ ચૂકવ્યા છતાં હજુ રૃા. ૨ લાખની માગણી

રાજકોટ :  પરસાણાનગરમાં ક્રિષ્ન એપાર્ટમેન્ટમાં રહેતા અને બજરંગવાડી સર્કલ પાસે પંજાબી-ચાઇનીઝની રેસ્ટોરન્ટ ચલાવતા જગદીશ રાજેશભાઈ તનિયા (ઉ.વ.૨૮) પાસે વ્યાજે આપેલી રકમની આરોપીઓ શાહરૃખ વિકીયાણી, સમીર મુનાફ જુણેજા અને અલ્ફાઝે પઠાણી ઉઘરાણી કરી, ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જેમાં જગદીશભાઈએ જણાવ્યું છે કે અંગત ઉપયોગ માટે તેણે મિત્ર શાહરૃખને રૃા. ૧ લાખની જરૃર છે તેવી વાત કરતાં જુલાઇ-૨૦૨૨માં રૃા. ૯૦ હજાર આપી રૃા. ૧૦ હજાર વ્યાજ પેટે કાપી લીધા હતા. જેનું તે દર મહિને રૃા. ૧૦ હજાર વ્યાજ આપતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી ધંધામાં મંદીને કારણે વ્યાજ આપી નહીં શકતા ત્રણેય આરોપીઓએ વ્યાજની અને મૂડીની પઠાણી ઉઘરાણી કરી કહ્યું કે તારી મૂડી અને વ્યાજ રૃા. ૧.૫૦ લાખ થઇ ગયા છે. જેના ૧૦ ટકા લેખે તારે રૃા. ૧૫ હજાર આપવા પડશે.

તેણે શાહરૃખ પાસેથી લીધેલા રૃા. ૧ લાખના બદલામાં અત્યાર સુધી રૃા. ૨.૪૫ લાખ ચૂકવી દીધા છે. છતાંય આરોપીઓ પઠાણી ઉઘરાણી કરી હજુ પણ રૃા. બે લાખ વસૂલવા માટે પ્રયાસો કરતા હતાં. ગઇ તા. ૭નાં રોજ રાત્રે આઠેક વાગ્યે મિત્ર સૂરજ સાથે જતો હતો ત્યારે સાંઢિયા પૂલ પેટ્રોલ પંપ પાસે આરોપી શાહરૃખ અને સમીરને જોઇ જતાં ઉભો રહ્યો હતો. તે વખતે શાહરૃખે કહ્યું કે તારા રૃા. બે લાખ ક્યારે આપીશ.

ત્યાર પછી બંને સાથે સોમનાથ ટ્રાવેલ્સની ઓફિસે ગયો હતો. જ્યાં અલ્ફાઝ પણ હાજર હતો. આ સ્થળે ત્રણેય આરોપીઓએ ઉઘરાણી કરી પૈસા નહીં આપે તો હાથ-પગ વિનાનો કરી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી, ગડદા પાટુનો માર મારી, ગેસની નળીથી બેફામ માર માર્યો હતો. એટલું જ નહીં શાહરૃખના ઘર પાસે લઇ જઇ આગામી તા. ૨૦જાન્યુઆરી સુધીમાં પૈસા  આપી દેવા અન્યથા પરિણામ જુદુ આવશે તેવી ધમકી આપી ઘરે મૂકી ગયા હતાં.

ગઇકાલે તેને શરીરે દુઃખાવો થતાં બપોરે સિવિલમાં જઇ સારવાર લીધી હતી. ત્યાર પછી ત્રણેય આરોપીઓ સામે મની લેન્ડ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

 


Google NewsGoogle News