પાવાગઢ જવાનો પ્લાન હોય તો આ વાંચી લેજો, આવતીકાલે સાંજથી બંધ થશે મંદિરના દ્વાર, જાણો કેમ
Pavagadh Temple : વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરીની ઘટના થઇ હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સની મદદથી વિદુર ચંદ્રસિંહ વસાવા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. જે મુળ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુરનો વતની છે. તેની પાસેથી 78 લાખની રકમના સોનાના છ હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ પણ જપ્ત કરાયા છે. આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ચોરીની ઘટના બાદ મંદિરના વહીવટી તંત્ર દ્વારા મંદિરના શુદ્ધિકરણ માટે મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્યાં સુધી બંધ રહેશે પાવાગઢ મંદિર
પ્રાપ્ત માહિતી અનુસાર ચોરીની ઘટના બાદ તંત્ર દ્વારા મંદિરના શુદ્ધિકરણનો લેવામાં આવ્યો છે. જેથી આવતીકાલે (8 નવેમ્બર) સાંજના 4 વાગ્યાથી 9 નવેમ્બર સવારે 6 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. આ દરમિયાન પૂજારીઓ દ્વારા મંદિરના શુદ્ધિકરણ માટે પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે.
કેવી રીતે કરવામાં આવે છે પ્રક્ષાલન વિધિ?
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પ્રક્ષાલન વિધિમાં મંદિરની સંપૂર્ણ સાફ-સફાઇ કરવામાં આવે છે. માતાજીની પૂજા અર્ચનામાં જે સોના-ચાંદીના વાસણો વપરાય છે તેની પણ સાફ સફાઇ કરવામાં આવે છે. પ્રક્ષાલન વિધિમાં મંદિર પરિસરને નદીઓના નીરથી ધોવામાં આવે છે. માતાજીના શણગારના સોના-ચાંદીના દાગીઓને મંદિરના પવિત્ર જળથી ધોવામાં આવે છે. જો કે આરતી અને મંદિરના સમય ફેરફારને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ નથી.
જાણો શું હતો સમગ્ર મામલો
વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરી થઈ હતી. મંદિરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. આ મામલે પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસને અંતે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સીની મદદથી વિદુર ચંદ્રસિંહ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. જે મુળ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુરનો વતની છે. તેની પાસેથી 78 લાખની રકમના સોનાના છ હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ પણ જપ્ત કરાયા છે. આરોપીએ ચોરી કરેલો સામાન એક ટ્રકમાં સંતાડ્યો હતો તેવો ખુલાસો થયો છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ દાવો કર્યો છે કે તેણે પહેલીવાર જ ચોરી કરી છે.
મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ
આ તમામ મુદ્દે સવાલ એ થાય છે કે, મંદિરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા છે. સીસીટીવી કેમેરા અને પોલીસનો બંદોબસ્ત હોવા છતાં ચોર મંદિરમાં પ્રવેશ્યો કેવી રીતે? અને ચોરીને અંજામ આપી ભાગવામાં પણ સફળ કેવી રીતે થયો? આ સમગ્ર ઘટના મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા કરે છે.