પાવર ગ્રીડ વીજલાઇન નાંખશે તો ખેડૂતોની મહામુલી જમીનની કિંમત અડધી થઇ જશે
- અમદાવાદથી દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વીજલાઇન નાંખવા માટે જાહેરનામુ બહાર પડતા ખેડૂત સમાજનો લડત ચલાવવાનો નિર્ણય
સુરત
પાવર
ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદથી દક્ષિણ ગુજરાતના નવસારી સુધી
વીજલાઇન નાંખવા માટે જાહેરનામુ બહાર પાડતા ખેડૂત સમાજે શરૃ કરાયેલી લડતમાં સુરત
જિલ્લાના માંગરોલના કઠવાડા ગામે મળેલી બેઠકમાં વીજ લાઇન કેવી રીતે રોકી શકાય તે
અંગે વિસ્તૃત ચર્ચા કરી અસરગ્રસ્ત તાલુકાઓમાં જઇને લડત ઉપાડવાનું આહ્વાન કર્યું
હતુ.
પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અમદાવાદથી લઇને ધોળકા, વડોદરા, ભરૃચથી છેક નવસારી સુધીમાં ૭૬૫ કે.વી વીજલાઇન બન્ને બાજુ નાંખવા માટે જાહેરનામુ બહાર પાડયું છે. આ જાહેરનામામાં સુરત જિલ્લાના છ તાલુકા માંગરોલ, માંડવી, કામરેજ, બારડોલી, પલસાણા, ચોર્યાસીના ૧૦૦થી વધુ ગામોની જમીનો સંપાદન થનાર હોવાથી ખેડૂત સમાજ દ્વારા લડતની શરૃઆત કરાઇ છે. જેમાં માંગરોલના કઠવાડા ગામે મળેલી બેઠકમાં ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશ પટેલ, સુરત જિલ્લા પ્રમુખ પરિમલ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા.
બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ખેડૂતોની મહામુલી જમીનમાં આ વીજ ટાવર ઉભા કરવામાં આવશે. જેનાથી ખેડૂતોની જમીનની કિંમત અડધી થઇ જવાની શકયતા છે. આથી વીજ લાઇન કઇ રીતે રોકી શકાય તે માટે લડત ચલાવવાનો નિર્ણય લેવાયો હતો. આગામી દિવસોમાં ગુજરાત ખેડૂત સમાજ દ્વારા રાજયમાં અસરગ્રસ્ત તાલુકાઓમાં જઇ ખેડૂતો સાથે મીટીંગ કરી કોઇ પણ ભોગે ખેડૂતોની મહામુલી જમીન કઇ રીતે બચાવી શકાય એ માટે રણનીતિ નક્કી કરાશે.
વીજ લાઇન માટે જમીન સંપાદન થતી નથી
માંગરોલ ખાતેની બેઠકમાં ખેડૂત અગ્રણીએ જણાવ્યું કે, વીજ લાઇન માટે સરકાર
જમીન સંપાદન કરતી નથી. પરંતુ જુના ટેલીગ્રાફી કાયદા મુજબ જમીનો લેવામાં આવે છે.
ખેડૂતોની જમીન કઇ રીતે લેવામાં આવે છે, ખેડૂતોને કઇ રીતે વળતર
ચૂકવવામાં આવે છે તેમજ આ વીજ ટાવરથી ખેડૂતોને કઇ રીતે અને કેટલુ નુકસાન થાય છે
તેની પણ ચર્ચા થઇ હતી. સાથે જ બૂલેટ ટ્રેન, એકસપ્રેસ હાઇવે,
રેલવે ફ્રેઇટ કોરીડોર માટે જમીન સંપાદન થઇ હતી. અને ખેડુતોએ લાંબી
લડાઇ બાદ ખેડૂતોની માંગ મુજબ વળતર ચૂકવાયુ હોવાથી ખેડૂતોએ અડીખમ રહીને લડત ચલાવવી
પડશે.