માંજલપુર-અટલાદરા બ્રિજ ચાલુ નહીં કરાય તો કોંગ્રેસ લોકાર્પણ કરી દેશે
બ્રિજ સ્થળે પહોંચી બ્રિજ ચાલુ કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર ઃ સ્થાનિક લોકોએ તો આવજા શરૃ કરી દીધી
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માંજલપુર દરબાર ચોકડીથી અટલાદરા જતા ૩૬ મીટર રોડ લાઇન ઉપર ૫૬ કરોડના ખર્ચે રેલવે બ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ બનીને તૈયાર છે, છતાં હજી સુધી ખુલ્લો નહીં મૂકાતા શહેર કોંગ્રેસે ચીમકી આપી છે કે જો તાત્કાલિક બ્રિજ નહીં ખોલાય તો કોંગ્રેસ લોકાર્પણ કરી દેશે.
આજે સાંજે શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કોંગી કાર્યકરો બ્રિજ સ્થળે પહોંચ્યા હતા. કોંગ્રેસ બ્રિજ ખોલી દેશે તેવી વાતો વહેતી થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. કોંગ્રેસે સ્થળ પર બ્રિજ ખુલ્લો મૂકવા અને કોર્પોરેશન વિરૃધ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે હાલ શહેરમાં ટ્રાફિક સમસ્યા છે. ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ચાલુ છે, જો બ્રિજ ખુલ્લો હોય તો પરીક્ષાર્થીઓને આવજા કરવામાં સરળતા રહે. આમ પણ સ્થાનિક લોકોએ આ બ્રિજ પર આવજા કરવાનું શરૃ કરી દીધું છે, તો પછી લોકાર્પણ માટે કોની રાહ જોવાય છે?
ભાજપના બૂથ પ્રમુખે આ સ્થળે પહોંચીને કહ્યું હતું કે લોકો રોજ રજૂઆત કરવા આવે છે કે બ્રિજ ખોલી દો. લોકોને ખૂબ તકલીફ પડી છે. જો નહીં ખોલાય તો પ્રજાના રોષનો ભોગ નેતાઓ બનશે.
આ બ્રિજનું કામ છેલ્લા ચારપાંચ વર્ષથી ચાલી રહ્યું છે. બ્રિજ રેલવે અને કોર્પોરેશનની કોસ્ટ શેરિંગથી બન્યો છે. કોર્પોરેશને ૪૨ કરોડનો અને રેલવેએ ૧૪ કરોડ ખર્ચ કર્યો છે. બ્રિજની લંબાઇ ૭૯૭ ચો.મી. છે. ૧૬.૮૦ મીટર પહોળાઇ છે. ૭.૫૦ મીટરના બે કેરેજ વે છે. આ બ્રિજ ચાલુ થશે ત્યારે માંજલપુર તથા શહેર વિસ્તારના રહીશોને અટલાદરા, કલાલી અને પાદરા જવા સરળતા રહેશે.