ચીફ ફાયર ઓફિસરે ફરજ બજાવી હોત તો અગ્નિકાંડ ન થાત : સસ્પેન્ડ
અમુક ફાયર ઓફિસરના સંબંધીને ફાયર સાધનોની એજન્સી : રાજકોટ મનપાની ફાયરબ્રિગેડમાં ગેરકાયદે ઈમારતોની ફાયર સેફ્ટી તેમજ ફાયર સ્ટેશનના કાર્યક્ષેત્ર અંગે ચાલતું લોલંલોલ
રાજકોટ, : રાજકોટ અગ્નિકાંડના ચીફ ફાયર ઓફિસર ઈલેશ વાલાભાઈ ખેરની પોલીસે ધરપકડ કર્યા બાદ આ અધિકારીએ ફરજમાં લાપરવાહી નહીં દાખવીને નિયમોનુસાર કડક કાર્યવાહી કરી હોત તો આવી મોટી દુર્ઘટના બનવા ન પામત તેવા તારણ સાથે મ્યુનિ.કમિશનરે તેને સસ્પેન્ડ કર્યા છે. તો બીજી તરફ ફાયર બ્રિગેડની ખાસ કરીને બિલ્ડીંગોના એન.ઓ.સી. આપવાની કામગીરી લોલંલોલ ચાલતું હોવાનું જાણવા મળેલ છે તેમજ ફાયર એન.ઓ.સી.ની કામગીરી કરનારા કેટલાક ઓફિસરોના સંબંધીઓ જ ફાયર સેફ્ટીના સાધનો વેચવાની એજન્સી ચલાવતા હોવાની પણ ચર્ચા જાગી છે.
અગ્નિકાંડના સાપરાધ મનુષ્યવધ,રેકર્ડ સાથે ચેડાં સહિતની કલમો હેઠળના ગંભીર ગુનામાં ડી.સી.પી.(ક્રાઈમ) પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં સિટ દ્વારા ચાલતી તપાસમાં આજ સુધીમાં તત્કાલીન ટી.પી.ઓફિસરો (૧) ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા (3) એ.ટી.પી.મુકેશ મકવાણા અને (2) રાજેશ મકવાણા (૩) ગૌતમ જોષી (4) જયદીપ ચૌધરી તથા ફાયરબ્રિગેડના અધિકારીઓમાં (1) ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર (2) ડેપ્યુટી ચીફ ફા.ઓફિસર ભીખા ઠેબા અને (3) સ્ટેશન ઓફિસર રોહિત વીગોરાની ધરપકડ કરી, રિમાન્ડ પર લઈ સઘન પુછપરછ કરીને હાલ આ આઠેય અધિકારીઓને જેલહવાલે કરાયા છે. અને મનપામાં આઠેય અધિકારીઓ સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્શન દરમિયાન આરોપી અધિકારીઓએ જેલવાસ સિવાયના સમયમાં સામાન્ય વહીવટ વિભાગમાં હાજરી પૂરાવવા, પચાસ ટકા પગાર મળશે અને કોઈ નોકરી કે ધંધો કરી ન શકે તેવી શરતો મુકાઈ છે.
સસ્પેન્ડેડ આરોપી ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરએ ગત તા. 25 મેના અગ્નિકાંડ સર્જાયો તેની પહેલા પણ ગેમઝોનમાં આગ લાગી હતી અને તે તથા ડે.ચીફ ફા.ઓફિસર ઠેબા બન્ને આ ગેમઝોનથી વાકેફ હતા અને તેથી બન્નેએ પોતાની ફરજ બજાવીને ગેમઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો કે એનઓસી નહીં હોવા અંગે કડક પગલા લીધા હોત તો ગુજરાતના ઈતિહાસની આ સૌથી દર્દનાક ઘટના બનત નહીં તેવું તારણ અને કારણ પોલીસ તપાસમાં અને કમિશનરના હૂકમમાં અપાયું છે.
અગ્નિકાંડમાં સૌપ્રથમ સ્ટેશન ઓફિસર રોહિત વીગોરાને સસ્પેન્ડ કરાયા બાદ અટક કરવામાં આવી હતી અને તેના પર બધી જવાબદારી આવી જાય તેવું વલણ જોવા મળ્યું હતું પરંતુ, રાજકોટ સિટે ઉંડાણભરી તપાસ કરતા ઈલેશ ખેર અને ભીખા ઠેબાની ગુનાહિત બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી હતી જે અન્વયે બન્નેની ધરપકડ કરાઈ હતી.
પોલીસ તપાસના તારણોથી મહાપાલિકામાં ફાયર એન.ઓ.સી. અંગે ચાલતું લોલંલોલ અને બે ક્ષતિઓ પણ પ્રકાશમાં આવી છે જેમાં (1) ફાયર સ્ટેશનના ઓફિસરોને ચોક્કસ કાર્યક્ષેત્રમાં એન.ઓ.સી.અંગે ચેકીંગ કે પગલા લેવાની કોઈ કાર્યપધ્ધતિ નથી અને (2) ફાયર એન.ઓ.સી. ઉપરાંત બાંધકામ પ્લાન વગર ગેરકાયદેસર ખડકાયેલા તોતિંગ બાંધકામો અંગે ફાયર ઓફિસરોએ કોઈ ચેકીંગ કે કામગીરી કરી નથી. જો કરી હોત તો ગેમઝોનનું ચેકીંગ પણ કર્યું હોત અને નોટિસ આપીને સીલીંગની કાર્યવાહી પણ કરી શકાઈ હોત.