વડોદરામાં સ્કાડા સિસ્ટમ ફેઇલ થઈ છે તો સોસાયટીઓમાં ફ્લોમીટરના નામે ઉઘરાવતા લાખો રૂપિયા બંધ કરો : કોર્પોરેટરની રજૂઆત
Vadodara Croporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વોર્ડ નંબર એકના કોર્પોરેટર હરીશ પટેલે રજૂઆત કરી છે કે, સ્કાડા સિસ્ટમ સંપૂર્ણ ફેઇલ થઈ ગઈ છે. જે રીતે 24X7 પાણી આપવાની વાત થતી અને યોજના અંતર્ગત અને જગ્યાએ ફલો મીટર લગાવવામાં આવ્યા તે તમામ ખર્ચ પાલિકાના માથે પડ્યો છે. હાલ કોઈ જગ્યાએ 24X7 પાણી વિતરણ થઈ રહ્યું નથી. અનેક સોસાયટીઓમાં હાલ ફલોમીટર બેસાડવાની કામગીરી ચાલે છે અને તે અંતર્ગત સોસાયટી દીઠ રૂ.અઢીથી ત્રણ લાખ વસૂલવામાં આવી રહ્યા છે, જ્યારે સ્કાડા સિસ્ટમ જ ફેઇલ થઈ ગઈ છે તો ફલોમીટર લગાવવાનું બંધ કરી દેવું જોઈએ. જેથી દરેક સોસાયટીના સભ્યોના માથે બિન જરૂરી ફલોમીટરનો ખર્ચ ન આવે.
આ પ્રસંગે શાસક પક્ષના નેતા મનોજ પટેલ (મંછો) એ જણાવ્યું હતું કે, દરેક સોસાયટી પાસેથી ફરજિયાત ફ્લોમીટરનો ચાર્જ લેવામાં આવતો નથી, વુડા વિસ્તારમાં જે નવા મકાનો બને છે તે માટે જ હાલ આ સિસ્ટમ લાગુ છે. ત્યારે હરીશ પટેલે વળતો જવાબ આપ્યો કે, અઠવાડિયા પહેલા પણ વુડા સિવાયની કેટલીક સોસાયટીઓમાં ફ્લોમીટરનો ચાર્જ લેવામાં આવ્યો છે તેના પુરાવા આપીશ તો શું વસુલેલા ચાર્જની રકમ સોસાયટીના સભ્યોને પરત કરી આપવામાં આવશે? આ તબક્કે સત્તાપક્ષના સભ્યો દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.