Get The App

'કલમ 370 રદ થાય તો ગીરમાંથી ઈકો ઝોન કેમ નહીં..', દેખાવકારોની સરકારને ચૂંટણી બહિષ્કારની ચેતવણી

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
'કલમ 370 રદ થાય તો ગીરમાંથી ઈકો ઝોન કેમ નહીં..', દેખાવકારોની સરકારને ચૂંટણી બહિષ્કારની ચેતવણી 1 - image


Gujarat Talala Protest | તાલાલાના મોરૂકા ગામે ઈકો ઝોનના વિરોધમાં નીકળેલી મોટી રેલીમાં સ્થાનિકોએ સરકાર સામે રોષ ઠાલવી સવાલો ઉઠાવ્યા હતા કે, કાશ્મીરમાં વર્ષોથી રહેલી 370ની  કલમ દૂર થાય તો ગીરમાંથી ઈકો ઝોન શા માટે નાબુદ ન થાય? જરૂર પડશે તો આગામી સમયમાં ચૂંટણીઓનો બહિષ્કાર કરવા એલાન અપાશે.

દિવસે-દિવસે ઈકો ઝોનનો રોષ વધી રહ્યો છે. સરકાર દ્વારા ઈકો ઝોન અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ઈકો ઝોનથી ગામડાઓના ખેડૂતો અને સ્થાનિક લોકો વન વિભાગના ગુલામ બની જવાની ભીતિ સેવી રહ્યા છે. છેલ્લા દોઢ માસથી સમગ્ર ગીર પંથકના ગામડાઓમાં રોજબરોજ ઈકો ઝોનનો વિરોધ થઈ રહ્યો છે. સૌથી વધુ તાલાળા, વિસાવદર સહિતના ગામડાઓમાં રોષ છે. જ્યારે જ્યારે સરકાર દ્વારા ગીર પંથકમાં ઈકો ઝોન લાગુ કરવાની વાત આવે ત્યારે વિરોધ ફાટી નીકળે છે. આ વખતે નવરાત્રી અને દિવાળીના તહેવારો સમયે ઈકો ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવતા તહેવારોમાં લોકોમાં ખુશીને બદલે રોષ છે.

તાલાલા તાલુકાના મોરૂકા ગીર ગામે ઇકો સેન્સિટીવ ઝોનનો કાળો કાયદો રદ કરવાની માંગણી સાથે વિશાળ રેલી નીકળી હતી. આ રેલીમાં ગામના તમામ સમાજના અગ્રણીઓ, યુવાનો,મહીલાઓ અગણિત સંખ્યામાં જોડાયા હતા. મોરૂકા ગીર ગામે કાળી ચૌદસના દિવસે ગામમાં વસવાટ કરતા તમામ પરિવારો દ્વારા હનુમાન બાપાનો લોટ(નિવેદ) કરવાનો ધામક કાર્યક્રમ યોજાય છે પરંતુ ખેડૂતો માટે આફતરૂપ કાળો કાયદો આવતો હોવાથી આ વર્ષે સૌ પ્રથમ સમસ્ત ગામના તમામ પરિવારો એકત્ર થઈ ઇકો સેન્સિટીવ ઝોનનો કાળો કાયદો રદ કરવાની માંગણી સાથે વિશાળ રેલી કાઢી હતી. રેલીએ ગામમાં પરિભ્રમણ કરી ગામને જંગલ ખાતાને વેંચી નાખવાં માટે આવી રહેલ સુચિત ઈકો ઝોનનો કાળો કાયદો રદ કરવાની માંગણી કરી. ગ્રામજનોએ બેનરો સાથે સુત્રોચ્ચારનો મારો બોલાવ્યો હતો.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ઈકો ઝોનમાં સમાવેશ તાલાલા પંથકના એક પણ ગામમાં સિંહો કે જંગલી જાનવરોને નુકસાન કર્યાનો બનાવ વનવિભાગના ચોપડે ક્યારે પણ નોંધાયો નથી. ખેડૂતોએ કાયમી સિંહોનું રખોપું કર્યું છે. તાલાલા પંથકને કાળા કાયદાથી સંપૂર્ણ મુકત કરવાની ગ્રામજનોએ એક જ બુલંદ માંગણી કરી હતી. છેલ્લે આખા ગામે હનુમાન બાપાના નિવેદ ધરી ઈકો ઝોનનો કાળો કાયદો રદ કરવા પ્રાર્થના કરી ગ્રામજનોએ સમૂહ પ્રસાદ લીધો હતો.

તાલાળા ગીરના મોરૂકા ગામમાં બેનરો સાથે ઈકો ઝોનનો વિરોધ કરતા સ્થાનિકોએ સરકારને આકરા સવાલો કર્યા છે કે, હાલમાં સરકારે જે કાળો કાયદો લાગુ કરી દીધો છે તેની સામે લડત છે, કેન્દ્ર સરકાર દ્વારા ૩૭૦ની કલમ નાબુદ થતી હોય તો ઈકો ઝોન શા માટે રદ ન થાય ? ભરૂચમાં ઈકો ઝોન હતું તેને નાબુદ કરવામાં આવ્યું છે તો અહીંયા શા માટે ન થાય ? ઈકો ઝોનના જાહેરનામામાં નકશા જોતા અમુક વિસ્તારને જંગલથી નજીક હોવા છતાં બાકાત કરી નાખવામાં આવ્યા છે તેના માટેની આ લડત છે, ક્યારેય ઈકો ઝોન જોઈતો નથી, જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરશું. ગીરના ગામડાઓ આગામી સમયમાં ઈકો ઝોનના વિરોધમાં ચૂંટણીઓનો પણ બહિષ્કાર કરશે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ગીરની મહિલાઓ પણ રણચંડી બનીને મેદાનમાં આવશે. ગીરના ગામડાઓએ ખોબલે-ખોબલે મત આપ્યા છે ત્યારે સરકારે ખેડૂતો અને સ્થાનિકોને રઝળતા મુકી દીધા છે આ અંગે સ્થાનિક નેતાગીરી જવાબ આપે.


Google NewsGoogle News