સૌરાષ્ટ્રની 21 નદીઓ ઊંડી નહીં કરાય તો ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થવાની સ્થાનિકોને ભીતિ
Saurashtra River : છેલ્લાં ઘણાં વખતથી ઘેડ વિસ્તારને લઈને ઘેડવાસીઓ સરકાર સામે લડત લડી રહ્યા હતા. આખરે ઘેડવાસીઓની જીત થઈ છે. રાજ્ય સરકારે ઘેડ વિસ્તાર માટે રૂ. 141 કરોડ ફાળવ્યા છે. જો કે, ઘેડવાસીઓનું કહેવું છે કે, સૌરાષ્ટ્રમાંથી પસાર થતી 21 છીછરી નદીઓને ઉંડી નહીં કરાય તો, ફરી એકવાર ઘેડ વિસ્તાર જળબંબાકાર થઈ જશે. રાજ્ય સરકારે આ માટે આગોતરું આયોજન કરવું પડશે.
21 નદીઓનું વહેણ ફંટાશે તો, રૂ. 139 કરોડ પાણીમાં વહી જશે
ચોમાસામાં ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઘેડ સમિતિએ છેલ્લાં ઘણાં વખતથી લડત છેડી હતી. ઘેડ વિકાસ સમિતિના સભ્યોનું કહેવું છે કે, દ્વારકાથી માંડીને માંગરોળ સુધી ભાદર, ઓઝત, સોરઠી, ઉબેણ, વર્તુ, સાની, મીણસાર જેવી 21 નદીઓ વહે છે. આ નદીઓની એવી સ્થિતિ છે કે, છીછરી સપાટી છે જેથી ચોમાસામાં વરસાદી પાણી ફંટાઈ જાય છે.
ઝાડી ઝાંખરાને લીધે નદીનું પાણી ખેતરોમાં વહી જાય છે પરિણામે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વ્હોરવી પડે છે. આ જોતાં ચોમાસા પહેલાં નદીઓને ઉંડી કરવી જરુરી છે. જો નદીઓની સફાઈ કરાય તો વરસાદી પાણી સીઘું જ દરિયામાં વહી જાય. એવો પણ સવાલ ઉઠ્યો છે કે, સરકારે નાણાં ફાળવવા જાહેરાત કરી છે પણ વિકાસના કામોનો મેપ કેમ જાહેર કરાયો નથી.
અતિવૃષ્ટિ વખતે દરિયાના બારા બંધ કરી દેવાયા છે. દરિયાકાંઠાએ સાત ફૂટની દિવાલો ચણી લઈ સરકારે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. દિવાલોને કારણે દરિયામાં જતું વરસાદી પાણી અટકી જાય છે. આ ઉપરાંત સોમનાથ-દ્વારકા નેશનલ હાઇવેનું નિર્માણ કરાયું છે ત્યારે નદીઓના પાણીના નિકાલનું ઘ્યાન રખાયું નથી. માત્ર આઠ સ્થળે જ પુલોમાં જગ્યા રાખવામાં આવી છે જેથી ચોમાસામાં વરસાદી પાણીના નિકાલમાં નેશનલ હાઇવે અવરોધરુપ બનશે તે નક્કી છે. આમ, પ્રાથમિક તબક્કામાં નદીઓના કામોને પ્રાથમિકતા આપવામાં નહીં આવે તો, ઘેડ વિસ્તારમાં પાણીની સમસ્યા ઠેરની ઠેર રહી જશે.
ઘેડ વિસ્તાર ચોમાસામાં શા માટે જળબંબાકાર રહે છે...
જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે. આ નદીઓના મુખ પાસે બઘી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઈ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શરુઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ રહે છે તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે.