IAS રાજીવ ટોપનોનું ગુજરાત CMOમાં પોસ્ટીંગ થશે, ઇન્ચાર્જ અધિકારી બદલીના આદેશ કરી શકશે નહીં

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
Gujarat Assembly


IAS Rajeev Topno will be posted in Gujarat CMO : ગુજરાત કેડરના 1996ની બેચના આઇએએસ અધિકારી રાજીવ ટોપનો એક એવા અધિકારી છે કે જેઓ સતત 15 વર્ષથી ગુજરાત બહાર ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યાં છે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે હવે તેઓ ગુજરાત પાછા આવી રહ્યાં છે. ડેપ્યુટેશનના 15 વર્ષ પૈકી 10 વર્ષ સુધી તો તેમણે વડાપ્રધાન કાર્યાલયમાં વડાપ્રધાનના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ફરજ બતાવી છે. તેઓ વર્લ્ડબેન્કમાં સિનિયર એડવાઇઝરની ફરજ બજાવીને પાછા આવ્યા છે. રાજીવ ટોપનોએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના કાર્યાલયમાં ફરજ બજાવી છે. ગુજરાતમાં તેઓ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં આવે તેવી શક્યતા છે.

ઇન્ચાર્જ અધિકારી બદલીના આદેશ કરી શકશે નહીં

કોઇ પોલીસ અધિકારી લાંબી રજા પર જાય ત્યારે તેના ચાર્જમાં રહેલા ઇન્ચાર્જ અધિકારી તેના તાબાના કર્મચારીઓની બદલી કે બઢતી કરાવી શકશે નહીં. આવો આદેશ કરવાનું કારણ એવું સામે આવ્યું છે કે અમદાવાદમાં એક સિનિયર અધિકારી રજા પર ગયા ત્યારે ઇન્ચાર્જ અધિકારીએ રૂટીન કામ કરવાની સાથે મોટાપાયે બદલીના આદેશ કર્યા હતા અને વિવાદમાં સપડાયા હતા. આ અધિકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા એટલું જ નહીં મામલો દિલ્હી દરબાર સુધી પહોંચી ગયો હતો. આવી ઘટના ફરીથી બને નહીં તે માટે મહત્વના આદેશમાં એવું પણ જણાવાયું છે કે બદલી કે પ્રમોશન જ નહીં, ઇન્ચાર્જ અધિકારી કોઇપણ પ્રકારના ખાતાકીય કે પ્રાથમિક તપાસનો નિર્ણય કરી શકશે નહીં.


Google NewsGoogle News