Get The App

હું એક બાજુ જઈ રડતી આમ છતાં પતિ કોઈની સાથે ચેટીંગ કરતો

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
હું એક બાજુ જઈ રડતી આમ છતાં પતિ કોઈની સાથે ચેટીંગ કરતો 1 - image


4 વર્ષથી માવતરને ત્યાં રહેતી પરીણીતાની આપવિતી જામનગર રોડ પર રહેતાં પતિ, સાસુ અને સસરા સામે મહિલા પોલીસમાં ત્રાસની ફરિયાદ નોંધાવી

રાજકોટ, : હંસરાજનગર શેરી નં.42ના ખૂણે માવતરને ત્યાં છેલ્લા ચાર વર્ષથી રહેતી ભૂમિકાબેન (ઉ.વ. 38)એ પતિ-કેયુર, સસરા-કમલેશભાઈ પ્રધ્યુમનભાઈ ઉપાધ્યાય અને સાસુ-જયદેવીબેન વિરૂધ્ધ ત્રાસ આપ્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

ફરિયાદમાં જણાવ્યું છે કે 2018માં તેના લગ્ન થયા હતા. લગ્નજીવનથી સંતાન નથી. લગ્નના એક જ માસ પછી સાસુએ ઘરકામ જેવી બાબતે બોલાચાલી શરૂ કરી દીધી હતી. એવા મેણા મારતા કે તને કોઈ કામ કરતાં આવડતું નથી, તારા માવતરે કાંઈ શિખવાડયું નથી, તારામાં વહુ તરીકેના સંસ્કાર જ નથી. લગ્ન પહેલાં  પતિ કેયુરે માંગુ નાખતા તેણે ના પાડી હતી. તે વાતને મનમાં રાખી એવા મેણા મારતા કે તારામાં એવું શું છે કે અમને ના પાડી હતી.

પતિ સાસુની તરફેણ કરી મારા મમ્મી કોઈ દિવસ ખોટુ બોલે જ નહીં તેમ કહી ઝઘડા અને મારકૂટ કરતો હતો. જેથી તે એક બાજુ જઈ રડતી ત્યારે પતિ ફોનમાં કોઈની સાથે ચેટીંગ કરી તેની દરકાર કરતો નહીં. ત્યાર પછી તેને ખબર પડી હતી કે પતિને અન્ય ઘણી મહિલાઓ સાથે સંબંધ છે. આજ કારણથી તેને પત્ની તરીકે મનથી સ્વિકારી નથી. 

તેની તબિયત સારી ન હોય ત્યારે પણ પતિ ઝઘડો કરી કાળજી રાખતો ન હતો. સાસુ અને પતિ હેરાન કરતા હોવાની સસરાને ફરિયાદ કરે તો ઉધ્ધતાઈભર્યું વર્તન કરતા હતા. એમ પણ કહેતા કે તું બહુ બોલ-બોલ કરીશ તો, તું ગાંડી છો એવું અમે સમાજમાં સાબીત કરીશું. 

આ રીતે પતિ, સાસુ અને સસરાના ત્રાસના લીધે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેને એકલી પાડી દેતાં કંટાળીને ચારેક વર્ષ પહેલાં માવતરે રિસામણે આવી ગઈ હતી. ત્યાર પછી આજ સુધી સાસરીયાઓએ તેની કોઈ કાળજી લીધી નથી. તેના તરફથી સમાધાનના ઘણાં પ્રયત્નો કરાયા હતા. પરંતુ પતિને અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાથી સમાધાન કર્યું ન હતું. પતિએ તેડવા આવવાની પણ સ્પષ્ટ ના પાડી દેતાં આખરે આજે ફરિયાદ નોંધાવી હતી.  


Google NewsGoogle News