ધો. 9 ના બે વિદ્યાર્થી મિત્ર ભેદી રીતે ગુમ: હું સફળ થવા માટે જાઉં છું અને દસ વર્ષ બાદ પરત આવીશ મને શોધતા નહીં

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
ધો. 9 ના બે વિદ્યાર્થી મિત્ર ભેદી રીતે ગુમ: હું સફળ થવા માટે જાઉં છું અને દસ વર્ષ બાદ પરત આવીશ મને શોધતા નહીં 1 - image




- પાલ અને રાંદેર વિસ્તારમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી મિત્રો અડાજણની સ્કૂલમાં અભ્યાસ કરે છેઃ ટ્યુશન જવા નીકળ્યા બાદ પરત નહીં આવતા પરિજનોએ શોધખોળ કરી
- એકની બેગમાંથી ચિઠ્ઠી મળી કે સફળ થવા માટે જાઉં છું, ટ્રેનમાં બેસી અંકલેશ્વર સ્ટેશન ઉતર્યા અને ભરૂચમાં હોવાની આશંકા


સુરત


શહેરના અડાજણ વિસ્તારની શાળામાં અભ્યાસ ધો. 9 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી મિત્રો ટ્યુશન જવા નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા પરિજનો અને પોલીસ દોડતી થઇ ગઇ છે. બંનેની શોધખોળ અંતર્ગત બે પૈકી એક વિદ્યાર્થીની બેગમાંથી હું સફળ થવા માટે જાઉં છું અને હું દસ વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહીં એવી ચિઠ્ઠી મળી આવી હતી.

ધો. 9 ના બે વિદ્યાર્થી મિત્ર ભેદી રીતે ગુમ: હું સફળ થવા માટે જાઉં છું અને દસ વર્ષ બાદ પરત આવીશ મને શોધતા નહીં 2 - image
શહેરના પાલ વિસ્તારમાં રહેતો 14 વર્ષીય રાજન (નામ બદલ્યું છે) ગત રોજ સવારે રાબેતા મુજબ અડાજણ વિસ્તારની સ્કૂલે ગયો હતો. જયાંથી બપોરે ઘરે આવ્યા હતા બાદ રાજન રાબેતા મુજબ પાલ વિસ્તારમાં ટ્યુશને ગયો હતો પરંતુ ત્યાંથી સમયસર પરત આવ્યો ન હતો. જેથી તેના માતા-પિતા સહિતના પરિજનોએ રાજનની શોધખોળ શરૂ કરી હતી અને ટ્યુશન ક્લાસીસ ખાતે પણ તપાસ કરી હતી. પરંતુ રાજનની ગત રોજ ટ્યુશનમાં ગેરહાજરી હતી અને તેની સાથે જ અભ્યાસ કરતો 14 વર્ષીય પ્રિયાંક (નામ બદલ્યું છે) પણ ગેરહાજર હતો. જેથી રાજનના માતા-પિતાએ પ્રિયાંકના ઘરે તપાસ કરી હતી. પ્રિયાંક પણ ઘરેથી ટ્યુશન જવાનું કહીને નીકળ્યો હતો પરંતુ તેની પણ ટ્યુશનમાં ગેરહાજરી હોવાથી બંનેના પરિજનોએ તેમના અન્ય મિત્રો તથા સગાસંબંધીને ત્યાં શોધખોળ કરી હતી પરંતુ પત્તો મળ્યો ન હતો. જો કે બંને મિત્ર તેઓ જયાં ટ્યુશન જાય છે ત્યાંની સોસાયટીના સીસીટીવી કેમેરામાં કયાંક જતા હોય તેવું નજરે પડતા તુરંત જ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરવાની સાથે રાંદેર અને પાલ પોલીસને જાણ કરી હતી. જે પૈકી બંને જણા પાલ વિસ્તારના ટ્યુશન ક્લાસીસ નજીકના સીસીટીવીમાં નજરે પડતા હોવાથી પાલ પોલીસે અપહરણની આશંકા વ્યકત કરતી ફરિયાદ નોંધી બે અલગ-અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. જે અંતર્ગત પ્રિયાંકના ઘરેથી તેની બેગમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે હું સફળ થવા માટે જાઉં છું અને હું દસ વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહીં. જેથી પરિજનો ચોંકી ગયા હતા. ઉલ્લેખનીય છે કે શોધખોળ અંતર્ગત બંને મિત્રો સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી અમદાવાદ તરફ ગયા હોવાથી પોલીસ એક ટીમ અમદાવાદ પહોંચી છે. પરંતુ બંને મિત્રો અંકલેશ્વર સ્ટેશને ઉતરી ત્યાંથી ભરૂચ પહોંચ્યા હોવાનું જાણવા મળતા પોલીસ ટીમે ભરૂચમાં ધામા નાંખી શોધખોળની કવાયત શરૂ કરી છે.


Google NewsGoogle News