માંજલપુરમાં પત્ની પર ફાયરિંગના બનાવ બાદ ઉંડેરામાં પૂજા કરતી પત્નીને પતિએ છરીના ઘા ઝીંક્યા
વડોદરાઃ માંજલપુરમાં પતિએ પત્ની પર ફાયરિંગ કર્યાના બનાવની જેમ ઉંડેરા વિસ્તારમાં પણ શંકાશીલ પતિએ પૂજા કરતી તેની પત્ની પર છરી વડે હુમલો કરતાં તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવી છે.
ઉંડેરામાં રહેતા રાકેશ મકવાણા સાથે લગ્ન કરનાર પરિણીતાના પિતાએ પોલીસને કહ્યું છે કે,છેલ્લા કેટલાક સમયથી મારો જમાઇ મારી પુત્રી પર વહેમ રાખીને હેરાન કરતો હતો.જેથી એક મહિના પહેલાં તે મારે ત્યાં આવી ગઇ હતી.
યુવતીના પિતાએ કહ્યું છે કે,રાકેશના ભાણેજના લગ્ન આવતા હોવાથી તે ફોન પર સમજાવીને માફી માંગતો હતો અને લઇ જવા ફોસલાવતો હતો.જેથી મારી પુત્રી તૈયાર થઇ જતાં તેને તા.૨જીએ બપોરે રાકેશ લઇ ગયો હતો.
ગઇકાલે સવારે મારી પુત્રી પૂજાપાઠ કરતી હતી ત્યારે રાકેશ પાછળથી ધસી આવ્યો હતો અને તેણે ગળાના ભાગે,હોઠ અને જીભ પર છરી વડે હુમલો કરતાં તેને ઇજા થઇ હતી.હુમલો કર્યા બાદ રાકેશ ભાગી ગયો હતો.જેથી મારી પુત્રીએ ઉપર રહેતા જેઠાણીને વાત કરતાં તેમણે મારી પત્નીને ફોન કરી ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કર્યાની જાણ કરી હતી.જેથી જવાહરનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.