પત્ની પિયરમાં જતી રહેતા પતિએ ઝઘડો કરી સાસુ અને સાળાને ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા
Vadodara Crime : વડોદરામાં આજવા રોડ પર એકતાનગરના રામ રહીમ પાર્કમાં રહેતા રાધાબેન જોગેન્દ્ર સિંહ રાજપુત બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારી દીકરીએ સાત વર્ષ પહેલા સલમાન સલીમખાન પઠાણ (રહે-એકતા નગર) સાથે પ્રેમ લગ્ન કર્યા છે. મારી દીકરી લગ્ન પછી તેના પતિ સાથે રહેતી હતી પરંતુ મારી દીકરીને તેનો પતિ માર જોડ કરતો હોય મારી દીકરી છેલ્લા 20 દિવસથી મારા ઘરે રહે છે. ગત 17 ની તારીખે સાંજે 6:00 વાગે મારી દીકરીનો પતિ મારા ઘરે આવી તેને કહેતો હતો કે, તું મારી સાથે ઘરે આવ. અને તેને ઝઘડો શરૂ કર્યો હતો.
ત્યારબાદ મેં તેને કહ્યું હતું કે મારી દીકરીને તારી સાથે નહીં મૂકવું અને તારી સાથે છુટાછેડા લેવડાવવાના છે. ત્યારબાદ સલમાન મને તથા મારી દીકરીને મારવાની ધમકી આપીને જતો રહ્યો હતો. પાંચ મિનિટ પછી તેના ઘરે જઈને કાર લઈને આવ્યો હતો અને ગાડીમાંથી ચપ્પુ કાઢી મારી દીકરીના નામની બૂમ પાડતા હું તથા મારી દીકરી ઘરની બહાર જતાં મારી દીકરીના વાળ પકડી ચપ્પુથી મારવાની ધમકી આપતો હતો. જેથી મારી બાજુમાં રહેતા નણંદ ત્યાં આવી ગયા હતા અને તેઓ બચાવવા વચ્ચે પડ્યા હતા. હું તેને ઝઘડો નહીં કરવા માટે સમજાવતી હતી ત્યારે તેણે મારા પેટમાં ચપ્પુના ઘા મારી દીધા હતા. મારો દીકરો અમને છોડાવવા વચ્ચે પડતા મારા દીકરાને પણ ચપ્પુના ઘા મારી દીધા હતા. દરમિયાન લોકો ભેગા થઈ જતા સલમાન ભાગી ગયો હતો.