દહેજ મામલે પત્ની ઉપર ત્રાસ ગુજારનાર પતિને એક વર્ષની કેદ
ગાંધીનગર નજીક આવેલા પેથાપુરમાં આઠ વર્ષ અગાઉ
પત્નીના પિતાએ રાખેલી જમીનમાંથી ભાગ અને દસ લાખની માંગણી કરતા કંટાળીને ફીનાઇલ પી લીધું હતું
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં આઠ વર્ષ અગાઉ પત્નીના પિતાએ રાખેલી જમીનમાંથી ભાગ અને દસ લાખ રૃપિયા માટે ત્રાસ આપનાર પતિથી કંટાળીને પત્નીએ ફિનાઈલ પીધું હતું. જે અંગે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગરના છઠ્ઠા એડિશનલ ચીફ સિનિયર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં આરોપીને એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
સમાજમાં છેલ્લા ઘણા સમયથી સ્ત્રીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ દહેજને લઈ આ પ્રકારના કિસ્સાઓમાં સતત વધારો થતો રહે છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં પણ આઠ વર્ષ અગાઉ પતિના અત્યાચારનો પત્ની ભોગ બની હતી. જે કેસની મળતી વિગતો પ્રમાણે આરોપી સદ્દામ સબીર સૈયદ દ્વારા તેની પત્ની સુહાના બાનુ સાથે લગ્ન કર્યા બાદ તેના પિયરમાં પિતાએ રાખેલી જમીનમાં ભાગ અને તેની કિંમતના ૧૦ લાખ રૃપિયાની માંગણી કરી ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહીં તેની બે વર્ષની બાળકી બીમાર પડે તો સારવાર માટે પણ સુહાના બાનુ પાસે ખર્ચ માગવામાં આવતો અને ત્રાસ ગુજારીને અલગ રહેવા જતો રહ્યો હતો. જેનો વારંવાર ફોન ઉપર સંપર્ક કરવા છતાં તે જવાબ આપતો ન હતો. જેના પગલે કંટાળીને સુહાના બાનુ દ્વારા ફિનાઈલ પી લેવામાં આવ્યું હતું અને તેને સારવાર માટે સિવિલ ખસેડવામાં આવી હતી. જે સંદર્ભે સદ્દામ સૈયદ સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જે કેસ ગાંધીનગરના છઠ્ઠા એડિશનલ ચીફ સિનિયર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી સંજીવ કુમારની કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને જ્યાં ફરિયાદ પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર સુનિલ ચૌધરી દ્વારા ફરિયાદી, સાહેદ અને પંચોની જુબાની લેવામાં આવી હતી અને આરોપીને કડકમાં કડક સજાની માગણી કરવામાં આવતા કોર્ટ દ્વારા એક વર્ષની કેદની સજા અને દસ હજાર રૃપિયા દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.