મોરબીના ઘુટુંના મહિલા સરપંચનો પતિ અને તલાટી લાંચ લેતા ઝડપાયા
ACB રાજકોટ એકમ દ્વારા એક જ દિવસમાં 2 ટ્રેપ : ભાણવડ તાલુકા પંચાયત કચેરીનો આસિસ્ટન્ટ વર્ક મેનેજર પણ લાંચ લેતા ઝપટે ચડયો
રાજકોટ, : એસીબીના રાજકોટ એકમે આજે એક સાથે બે ટ્રેપ કરી ત્રણ આરોપીઓને લાંચ લેતા ઝડપી લીધા હતા. મોરબીના ઘુંટું ગામના સરપંચનો પતિ અને તલાટી રૂા. 50,000ની જ્યારે ભાણવડ તાલુકા પંચાયતનો આસિસ્ટન્ટ વર્ક મેનેજર રૂા. 3500ની લાંચ લેતા એસીબીની ઝપટે ચડી ગયો હતો.
એસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદીનો મોરબી તાલુકાના ઘુટું ગામે 4 વિઘાની જમીનમાં બિનખેતી થયેલો પ્લોટ આવેલો છે. જેમાં લાકડાની પ્લેટ બનાવવાનું યુનિટ ઉભું કરવાનું હોવાથી બાંધકામ કરવાની મંજૂરી માટે ઘુટું ગ્રામ પચાયતમાં કાર્યવાહી કરી હતી. જેથી તલાટી કમ મંત્રી વિમલ સુંદરજીભાઈ ચંદ્રોલા અને ગામના સરપંચનો પતિ દેવજી હરખાભાઈ પરેચાએ રૂા. 50,000ની લાંચ માગી હતી. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી મોરબી એસીબીમાં ફરિયાદ આપતા પીઆઈ એમ.એમ. લાલીવાલાએ ઘુટું ગ્રામ પંચાયતની કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી. જે દરમિયાન બંને આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યાર પછી તલાટી કમ મંત્રી વિમલે લાંચની રકમ સ્વીકારી હતી. તે સાથે જ ટ્રેપમાં ગોઠવાયેલ એસીબીની ટીમે વિમલ અને સરપંચ પતિ દેવજીભાઈને સ્થળ પરથી રંગેહાથ ઝડપી લીધા હતા.
બીજા કેસમાં ફરિયાદીએ રોજગાર અર્થેની મનરેગા યોજનાની વિવિધ પ્રકારની આશરે 266 યોજનાઓ પૈકી વાઢિયા ઘાસની વાવણી કરવા ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા સહાયના રૂા. 23,000 મંજૂર કરાયા હતા. જેમાંથી રૂા. 14,000ની ચૂકવણી ફરિયાદીને કરી આપી હતી. બાકી રહેલી રૂા. 9000ની સહાયની ચૂકવણી માટે ફરિયાદીએ ભાણવડ તાલુકા પંચાયતમાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે નોકરી કરતાં મિહીર વી. બારોટનો સંપર્ક કરતાં તેણે સહાયની બાકી રહેતી ચૂકવણી માટે રૂા. 3500ની લાંચ માગી હતી.