Get The App

છાપીના મહિલા સરપંચના પતિ 15 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, ACBની જાળમાં ફસાયા

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
છાપીના મહિલા સરપંચના પતિ 15 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, ACBની જાળમાં ફસાયા 1 - image


Bribe Case in Banaskantha : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા છાપી ગામના મહિલા સરપંચના પતિ અને તેના મળતિયાને એસીબી  દ્વારા ગુરૂવારે ગોઠવવામાં આવેલા એક છટકામાં ઝડપી લેવામાં આવ્યા હતા. છાપી જીઆઇડીસીમાં આવેલા પ્લોટ અંગે ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી રિટ પાછી ખેંચીને પ્લોટ પરત આપવા માટે સરપંચના પતિએ 35 લાખની લાખની લાંચ નક્કી કરી હતી. જે પૈકી પ્રથમ હપ્તામાં 15 લાખની રકમ ચૂકવવાનું નક્કી કરાયું હતું. એસીબીમાં કરવામાં આવેલી ફરિયાદને આધારે  ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. 

જીઆઇડીસીના પ્લોટ પરત આપવાના બદલામાં 35 લાખની લાંચ માંગી હતી

બનાસકાંઠા જિલ્લાના છાપીમાં રહેતા એક બિલ્ડરે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2019માં છાપી જીઆઇડીસીમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા 27 પ્લોટ વેચાણે આપવામાં આવ્યા હતા. જે પૈકી એક પ્લોટ બિલ્ડરે ખરીદી કર્યો હતો. જો કે કોઇ કારણસર થોડા મહિના બાદ પ્લોટ હરાજી બાબતે અરજી થતા ટીડીઓએ હરાજી રદ કરતો હુકમ કર્યો હતો. જે અનુસંધાનમાં પ્લોટધારકોએ ગાંધીનગર વિકાસ કમિશનરની ઓફિસમાં રિવિઝન અરજી કરતા કમિશનરે ટીડીઓનો હુકમ રદ કરીને પ્લોટધારકોની તરફેણમાં હુકમ કર્યો હતો.

પરંતુ, વિકાસ કમિશનરના હુકમના વિરોધમાં છાપી પંચાયત તરફથી ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરીને મનાઇ હુકમની માંગણી કરી હતી. પરંતુ, કોર્ટે મનાઇ હુકમ આપ્યો નહોતો. તેમ છતાંય, પંચાયત દ્વારા બિલ્ડરે કરેલા બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. એટલું જ નહી તમામ પ્લોટ પર છાપી પંચાયતે પોતાની માલિકીના પ્લોટ હોવાના બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા.

છાપી ગ્રામ  પંચાયતના સરપંચ નીતા ચૌધરી વતી તમામ વહીવટ અને કામગીરી તેના પતિ મુકેશ ચૌધરી સંભાળતા હોવાથી બિલ્ડરે મુકેશ ચૌધરીનો સંપર્ક કરીને હાઇકોર્ટમાં કરેલી પીટીશન પરત ખેંચવા અને પ્લોટની માલિકી આપવા માટે રજૂઆત કરી હતી. આ સમયે સરપંચના પતિ મુકેશ ચૌધરીએ આ કામ માટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે રકઝકના અંતે 35 લાખ રૂપિયા નક્કી કરાયા હતા. જૈ પૈકી 15 લાખનો પ્રથમ હપ્તો ગુરૂવારે બિલ્ડરની છાપી ખાતે આવેલી સુકુન વિલાની ઓફિસમાં  આપવાનું નક્કી કરાયું હતું.  

જો કે ફરિયાદી બિલ્ડર આ નાણાં આપવા માંગતા નહોતા. અને એસીબીમાં જાણ કરી હતી. જેના આધારે અમદાવાદ એસીબીના પીઆઇ એસ એન બારોટ અને પીઆઇ ડી બી મહેતાની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યુ હતું.  જેમાં મુકેશ  ચૌધરીએ તેના વતી છાપી ગ્રામ પંચાયતમાં બોર ઓપરેટર તરીકે કામ કરતા પ્નવિણ ઠાકોરે રૂ.15 લાખની રોકડ લેવડાવી હતી. જેના આધારે બંનેને ઝડપીને  કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


Google NewsGoogle News