સુરતમાં પત્ની સાથે આડા સંબંધની શંકાએ 14 વર્ષના સગીરની પતિએ કરી હત્યા
Surat News : સુરતના ઓલપાડમાં પાડોશીએ 14 વર્ષીય સગીરની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્ની સાથે સગીરના આડા સંબંધ હોવાની શંકાએ આરોપીએ સગીરને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ પહોંચાડ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
સુરતમાં 14 વર્ષીય સગીરની હત્યા
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામે આજે શનિવારે સવારે 14 વર્ષીય સગીરની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપીની પત્ની સાથે સગીરના આડા સંબંધ હોવાની શંકા હતી. ઘટના એમ છે કે, સગીર તેમના પાડોશી આરોપી વિજય વસાવાના ઘરે ગયો હતો અને વિજયની પત્ની સાથે ઊભો હતો. તેવામાં વિજય આવી પહોંચતા બંનેને સાથે જોયા હતા અને સગીરના પત્ની સાથે આડા સંબંધની શંકામાં એકાએક આવેશમાં આવ્યો હતો. આ પછી વિજયે ચપ્પુ લઈ આવીને સગીર પર હુમલો કરીને હત્યા નીપજાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં બેફામ કારે વાહનચાલકોને લીધા અડફેટે, એક મહિલાનું મોત, ચાર ઈજાગ્રસ્ત
સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે, 'વિજય પોતાના ઘરે આવે છે. ત્યારે તેની પત્ની સાથે સગીરને જોતા શક રાખીને ઝઘડો કર્યો હતો, ત્યારબાદ ચપ્પુ વડે સગીરના ગળાના ભાગે ઘા કર્યા હતા. જેમાં સગીરનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ આરોપી ભાગી ગયો હતો. જ્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને DYSP, PI, PSI સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.' સગીરની હત્યાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી.