નડિયાદમાં પત્ની સાથે આડાસંબંધનો વહેમ રાખી પતિએ મિત્રની હત્યા કરી
- શખ્સે હત્યાની કબૂલાત કરતા ગુનો
- લસુન્દ્રા હાઈવે પર લઈ જઈ, બોલાચાલી કરીને માથામાં લાકડાનો ડંડો ફટકારી મોતને ઘાટ ઉતાર્યો
નડિયાદ પશ્ચિમમાં જય અંબે સોસાયટીમાં રહેતા અને ટ્રેક્ટરની ડીલરશીપનો ધંધો કરતા ધર્મેશભાઈ હસમુખભાઈ દરજી (ઉં.વ.૪૫)ને ગત તા.૧૫ ફેબુ્રઆરીની રાત્રે તેનો મિત્ર મેહુલ ભાનુભાઈ સુથાર ગાડીમાં બોલાવી ગયો હતો. લસુન્દ્રા હાઈવે ઉપર તેણે ગાડી ઉભી રાખતા બંને નીચે ઉતર્યા હતા. જ્યાં મેહુલે પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવા બાબતે ધર્મેશ સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મેહુલે ધર્મેશભાઈના માથામાં પાવડાના લાકડાનો ડંડો મારી તેમની હત્યા કરી હતી. બાદમાં પુરાવાનો નાશ કરવા ધર્મેશભાઈની લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. જોકે, સોમવારે લસુન્દ્રા કેનાલ નજીકથી બિનવારસી કાર મળી આવતા કઠલાલ પોલીસે તપાસ હાથ ધરી હતી. કારમાંથી ધર્મેશનો મોબાઈલ અને લાકડાનો ડંડો મળી આવ્યા હતા. જેથી પોલીસે એફએસએલની ટીમ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી હતી. તેમજ મેહુલની પૂછપરછ કરતા તેણે પોતાની પત્ની સાથે ધર્મેશને પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે ધર્મેશના પત્ની નેહલબેન દરજીની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે મેહુલ સુથાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.