વડોદરા નજીક આસોજમાં ખૂની ખેલ : પત્નીની હત્યા કરી પતિ ફરાર થઈ ગયો
Vadodara Crime : વડોદરા નજીક આવેલા આસોજ ગામની સીમમાં એક ખેતરમાં પતિએ પત્નીની હત્યા કરી પતિ ફરાર થઈ ગયો હતો. પોલીસે પતિની શોધખોળ હાથ ધરી છે.
છાણી ગામમાં જલારામનગર ખાતે રહેતા મનુભાઈ સોમાભાઈ પટેલે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આસોજ ગામની સીમમાં મારી 24 વીઘા જેટલી જમીન આવેલી છે. આ જમીનમાં ખેતીના કામ માટે રમેશ પ્રતાપભાઈ નાયક અને તેની પત્ની રમીલા છેલ્લા છ વર્ષથી ખેતરમાં પાકી ઓરડીમાં રહે છે. દસ દિવસ પહેલા મારા ખેતરમાં હાલોલ તાલુકાના જાંબુડી ગામમાં રહેતો વિક્રમ નામનો શખ્સ અને તેની પત્ની બંને મજૂરી માટે આવતા તેઓને પણ ખેતી કામ માટે રાખ્યા હતા. તેઓ ખેતરમાં જ એક ઓરડીમાં રહેતા હતા.
ગઈકાલે ઉતરાયણ હોવાથી હું ઘેર હતો તે વખતે મારા નજીકના ખેતરમાંથી ઉર્વેશ આશાભાઈ પટેલનો સવારે ફોન આવ્યો હતો અને તેમને જણાવેલ કે વિક્રમનો પત્ની સાથે ઝઘડો થતાં સવારના 07:00 વાગ્યાથી તે ખેતરેથી જતો રહ્યો છે. ત્યારબાદ સાંજે પોણા પાંચ વાગે મારા ખેતરમાં કામ કરતા રમેશ નાયકે મને ફોન કરેલ કે વિક્રમ હજી સુધી આવ્યો નથી અને તેની ઓરડીનો દરવાજો પણ બંધ છે તમો ખેતરમાં આવી જાવ. બાદમાં હું મારા પુત્ર સાથે ખેતરે ગયો ત્યારે ઓરડીને લોક હતું. આ લોક ખોલીને જોયું તો વિક્રમની પત્ની ઓરડીમાં મૃત હાલતમાં લોહીલુહાણ મળી હતી. તેણે પહેરેલ કપડા પણ વેર વિખેર થયેલા હતા તેમજ ઓરડીમાં વાસના લાકડાની ફાચર અને બહાર ડંડો પડેલો હતો. કોઈ કારણથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિએ પત્નીનું ધીમ ઢાળી નાખ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. મંજુસર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.