રિક્ષાની ટક્કરે ટુવ્હીલર સવાર દંપતી પટકાતા પતિનું મોત
- આણંદના સંદેશરના સ્મશાન પાસે
- પેટલાદના ભાટીયેલ ગામના પતિ-પત્ની મોગરીથી દુકાન વધાવી પરત ફરતા અકસ્માત
પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામના મોટા ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય રમીલાબેન મુકેશભાઈ બ્રહ્મભટ્ટ તથા તેમના પતિ મુકેશભાઈ આણંદ નજીક મોગરી ગામે ગત રોજ પોતાની સેઉસળની દુકાને આવ્યા હતા. બપોરના સુમારે કામકાજ પતાવી દુકાન બંધ કરી દંપતી ટુ-વ્હીલર ઉપર ભાટીયેલ ગામે પરત જતા સંદેશર ગામના સ્મશાન નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી ચઢેલી સીએનજી રિક્ષાના ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારતા ટુ-વ્હીલર ઉપર સવાર દંપતી રોડ ઉપર પટકાયું હતું. અકસ્માતમાં મુકેશભાઈને મોઢા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા. જ્યારે રમીલાબેનને પણ શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત દંપતીને તુરંત કરમસદ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના તબીબે મુકેશભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે રમીલાબેન મુકેશભાઈ બ્રહ્મભટ્ટની ફરિયાદના આધારે રિક્ષા ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.