જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર બાઈક અને ફોરવ્હીલ વચ્ચેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત પતિનું મૃત્યુ : પત્નીને ઈજા
Jamnagar Accident : જામનગર કાલાવડ ધોરી માર્ગ પર નાની નાગાજર ગામના પાટીયા પાસે છે બાઈકને પાછળથી ફોરવ્હીલના ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં બાઈક સવાર વયવૃદ્ધિ દંપતિ ઘાયલ થયું હતું, જે પૈકી પતિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે, જયારે પત્નીને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના સતીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા હીરાભાઈ ટપુભાઈ ગોગરા (ઉંમર વર્ષ 82) અને તેમના પત્ની મણીબેન ટપુભાઈ ગોગરા (ઉમર વ.80) કે જેઓ ગત 11.2.2025ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં સતીયા ગામથી બાઈક પર બેસીને નાની નાગાજર ગામે આવી રહ્યા હતા.
જે દરમિયાન પાછળથી કોઈ અજ્ઞાત ફોરવ્હીલના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો, અને બાઇક સવાર દંપત્તિ ઘાયલ થયું હતું. જેઓને કાલાવડ અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ બાઇક ચાલક હીરાભાઈ ગોગરાનું ગંભીર ઇજા થઇ હોવાના કારણે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જયારે પત્ની મણીબેનને પણ ફેક્ચર સહિતની ઇજા થઈ હોવાથી સારવાર અપાઇ હતી.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક હીરાભાઈના ભાણેજ ભુંલપતભાઈ દેવાયતભાઈ જારીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.