પત્ની સાથે ઝઘડો થતા પતિએ પૌરાણિક મંદિરમાં ભગવાનની મૂર્તિને કરી ખંડિત, વડોદરાના ગંભીરપુરા ગામની ઘટના
Vadodara News : વાઘોડિયા તાલુકાના ગંભીરપુરા ગામે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ ગામમાં આવેલા પૌરાણિક વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિ ખંડિત કરી મંદિરમાં નુકસાન પહોંચાડ્યું હતું.
ગંભીરપુરા ગામમાં રહેતા દીપક છત્રસિંહ ઠાકોરે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારા ગામમાં વિષ્ણુ ભગવાનનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરનું ગામના બધા સમાજના માણસો દ્વારા ભેગા મળીને રીનોવેશન કરી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરમાં વીજ કનેક્શન મારા નામ પર લેવામાં આવ્યું છે. સવારના હું ઘેર હતો ત્યારે મને ખબર પડેલી કે મંદિરમાં વર્ષો જૂની મૂર્તિઓ કોઈએ ખંડિત કરી ધાર્મિક લાગણી દુભાવી છે, જેથી હું મંદિરે ગયો હતો તે વખતે ગામના લોકો પણ ભેગા થયા હતા. દરમ્યાન આ અંગે પૂછપરછ કરતા ગામના એક શખ્શે જણાવેલ કે વિશ્વનાથસિંહ ઉર્ફે ચકો દિલીપસિંહ ઠાકોરને રાત્રે મંદિર તરફ જતા જોયો હતો.
દરમિયાન ગામના બધા લોકો ભેગા મળીને વિશ્વનાથસિંહના ઘેર ગયા ત્યારે તે મળ્યો ન હતો પરંતુ તેના પિતા મળ્યા હતા. તેઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વિશ્વનાથસિંહનો રાત્રે પત્ની સાથે ઝઘડો થયો હતો. બાદમાં તેણે ગુસ્સામાં આવીને મંદિરમાં જઈ મૂર્તિને ખંડિત કરી મંદિરમાં તોડફોડ કરી હતી. જોકે વિશ્વનાથસિંહની ત્યારબાદ શોધખોળ કરવા છતાં તે મળ્યો ન હતો. મંદિરમાં કુલ 25000 રૂપિયાનું નુકસાન કર્યું હતું. ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.