પતિએ પોલીસ કંટ્રોલમાં કોલ કર્યો, હું પત્નીના ત્રાસથી આપઘાત કરવા જાઉં છું
પત્ની સાથે ઝઘડા બાદ રેલવે ટ્રેક ઉપર પહોંચી ગયેલા સીટી બસના કંડકટરને લોકેશનના આધારે ટ્રેસ કરી ડીંડોલી પોલીસે બચાવ્યો
પોલીસે તેનું કાઉન્સીલીંગ કરી બાદમાં પરિવારને સોંપ્યો
- પત્ની સાથે ઝઘડા બાદ રેલવે ટ્રેક ઉપર પહોંચી ગયેલા સીટી બસના કંડકટરને લોકેશનના આધારે ટ્રેસ કરી ડીંડોલી પોલીસે બચાવ્યો
- પોલીસે તેનું કાઉન્સીલીંગ કરી બાદમાં પરિવારને સોંપ્યો
સુરત, : હું પત્નીના ત્રાસથી આત્મહત્યા કરવા જાઉં છું તેવો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આત્મહત્યા કરવા નીકળેલા સીટી બસના કંડકટરને ડીંડોલી પોલીસે તેનું મોબાઈલ લોકેશન મેળવી તે ટ્રેન નીચે પડતું મૂકે તે પહેલા ડીંડોલી પ્રમુખ પાર્ક બ્રિજ નીચે રેલવે ટ્રેક પાસેથી શોધી કાઢી બચાવીને તેનું કાઉન્સીલીંગ કરી બાદમાં પરિવારને સોંપ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગતસાંજે 5.30 વાગ્યાના અરસામાં પોલીસ કંટ્રોલ રૂમમાં એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ જગદીશ ઉર્ફે મિથુન રઘુનાથ પાટીલ ( ઉ.વ.32, રહે.રામનગર, નવાગામ ડીંડોલી, સુરત ) તરીકે આપી જણાવ્યું હતું કે હું પત્નીના ત્રાસને લીધે આત્મહત્યા કરવા જાઉં છું.ફોન રિસીવ કરનાર કંટ્રોલ રૂમમાં હાજર પોલીસકર્મીએ કોલની ગંભીરતા જાણી તરત જ ડીંડોલી પોલીસ અને ડીંડોલી પીસીઆર 18 ને જાણ કરતા સતર્ક થયેલા પીએસઓએ પીઆઈ આર.જે.ચુડાસમાને જાણ કરી હતી.પીઆઈ ચુડાસમાએ તરત તે વ્યક્તિનું મોબાઈલ લોકેશન કઢાવી સર્વેલન્સ સ્ટાફ પીએસઆઈ હરપાલસિંહ મસાણી અને પીસીઆરના સ્ટાફને રવાના કર્યા હતા.
પીસીઆર સ્ટાફ અને સર્વેલન્સ સ્ટાફે મોબાઈલ લોકેશનના આધારે ડીંડોલી પ્રમુખ પાર્ક બ્રિજ નીચે રેલવે ટ્રેક પાસે પહોંચી ટ્રેન નીચે પડતું મૂકે તે પહેલા જગદીશ ઉર્ફે મિથુન પાટીલને શોધી કાઢી તેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે સીટીબસમાં કંડકટર તરીકે નોકરી કરે છે.પરંતુ પત્ની સાથે અવારનવાર થતા ઝઘડાને લીધે તે કંટાળ્યો હતો.પોલીસે તેનું કાઉન્સીલીંગ કરી બાદમાં પરિવારને સોંપ્યો હતો.