ઉમરવાડા-નવા કમેલા વિસ્તારની ઘટના: ઘરેલું કંકાશમાં બે પુત્રીની માતાને પતિ અને નણંદે ઉંદર મારવાનો પાઉડર ખવડાવ્યો
- ઇંડાની લારી ચલાવતો પતિ સુતેલો હતો ત્યારે 2 વર્ષની પુત્રી અવાજ કરતો હોવાથી ઝઘડો થયોઃ સંતાનમાં પુત્ર ન હોવાથી મહેણાંટોણાં મારતી નણંદે ગળું દબાવી માર માર્યો
- નણંદની સગાઇ ભાઇ સાથે થઇ હતી પરંતુ ઝઘડા થતા હોવાથી સગાઇ તોડી નાંખી હતી
સુરત, રવિવાર
સુરતના ઉમરવાડા-નવા કમેલા વિસ્તારમાં ઘરેલું કંકાશમાં બે પુત્રીની માતાને પતિ અને નણંદે માર મારી જબરજસ્તી ઉંદર મારવાનો પાઉડર ખવડાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી ફરિયાદ પુણા પોલીસમાં નોંધાય છે.
ઉમરવાડા-નવા કમેલા સ્થિત સંજયનગરમાં નણંદ રોશન ઇકરાર ફૈઝુમ અંસારીના મકાનમાં રહેતી તસ્લીમા આકીબ યુસુફ અંસારી (ઉ.વ. 25 મૂળ રહે. મલકપુર, તા. ધામપુર, બિજનોર, યુ.પી) ના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને સંતાનમાં બે પુત્રી છે. તસ્લીમાના લગ્નના ત્રણ મહિના બાદ તેના ભાઇ કશ્મુદ્દીનની સગાઇ નણંદ રોશન સાથે થઇ હતી પરંતુ બંને વચ્ચે મનમેળ ન હોવાથી ઝઘડો થતો હતો. આ બાબતને ધ્યાનમાં લઇ આકીબે તસ્લીમાને માર પણ માર્યો હતો. ઇંડાની લારી ચલાવતો આકીબ ગત સવારે 7 વાગ્યે સુતેલો હતો ત્યારે 2 વર્ષીય મોટી પુત્રી હિબાનુર ઉંઘમાંથી ઉઠીને અવાજ કરતી હતી. જેથી આકીબે ઉઠીને હિબાનુરને ખીજવાયો હતો. પરંતુ તસ્લીમાએ ખીજવાવાની ના પાડતા આકીબે તસ્લીમાને માર માર્યો હતો. ઝઘડાનો અવાજ સાંભળી પહેલા માળે રહેતી અને સંતાનમાં પુત્ર ન હોવાથી મહેણાંટોણાં મારતી નણંદ રોશન ઇકરાર અબ્દુલ ફૈઝુમ અંસારી દોડી આવી હતી તસ્લીમાનું ગળું દબાવી તમાચા અને લાત મારી હતી. જે તે વખતે ઝઘડો શાંત પડી ગયો હતો પરંતુ બપોરે 2 વાગ્યાના અરસામાં પતિ-પત્ની વચ્ચે પુનઃ ઝઘડો થતા નણંદ રોશન પુનઃ દોડી આવી હતી અને આકીબે તસ્લીમાનું ગળું પકડી અને રોશને ઉંદર મારવાનો પાઉડર જબરજસ્તી ખવડાવી દીધો હતો. જો કે તસ્લીમા પતિ અને નણંદના સકંજામાંથી છટકીને ઘરની બહાર નીકળી બુમાબુમ કરતા પડોશીઓ દોડી આવ્યા હતા અને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા. પોલીસે પતિ અને નણંદની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.