Get The App

મોરબીમાં પતિ-પ્રેમિકાએ સાથે મળીને પત્નીને કરી'તી હત્યા

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
મોરબીમાં પતિ-પ્રેમિકાએ સાથે મળીને પત્નીને કરી'તી હત્યા 1 - image


બે દિવસ પહેલાનાં શંકાસ્પદ મોતમાં ભાંડો ફૂડયો

પરપ્રાંતીય શ્રમિકને સાથે કામ કરતી યુવતી સાથે લગ્ન કરવા હોવાથી પત્નીને ગળાટૂંપો દઇને હત્યા બાદ બનાવને આકસ્મિક મોતમાં ખપાવવા પ્રયાસ કર્યો

મોરબી : મોરબીમાં 'પતિ, પત્ની અને વો' કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પરિણીત પુરુષને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી બન્નેએ મળીને પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને હત્યા બાદ ઘટનાને આકસ્મિક મોતમાં ખપાવીને ખોટી માહિતી આપી, પુરાવાનો નાશ કર્યાનું ફોરેન્સિક રિપોર્ટમાં ખુલતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજસ્થાનના વતની અર્જુનસિંહ મોડાજી માંગીલાલજી નાયક (ઉ.વ.૫૦)એ જમાઇ રાહુલ રોડુલાલ નાયક અને તેની પ્રેમિકા રેવાલી રાહુલ નાયક (રહે. બંને હાલ ઓલ્વીન સિરામિક, જાંબુડિયા તા. મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે દીકરી પાયલ ઉર્ફે રાનીના લગ્ન રાહુલ નાયક સાથે ચાર વર્ષ પૂર્વે થયા હતા. જે બંને મોરબી નજીક સિરામિક ફેકટરીમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે બે વર્ષ પહેલા જમાઈ રાહુલને કારખાનામાં મજુરી કરતી રેવાલી નામની છોકરી સાથે આડા સંબંધ બંધાયા હતા અને તેની સાથે લગ્ન કરવા હતા. જેથી રાહુલ  અને પત્ની પાયલ તેમજ પ્રેમિકા રેવાલી વતન હંસપુરા ગામે જતા રહ્યા હતા. આ દરમિયાન રાહુલ પત્ની પાયલને હેરાન કરતો હતો અને પાયલે પિતાને ફોન કરી પતિ રાહુલે બીજી પત્ની તરીકે રાખેલ રેવાલી સાથે ત્રાસ આપી હેરાન કરતો હોવાનું જણાવ્યું હતું. જેથી જમાઇ રાહુલના ઘરે જઈને પાયલને માવતરે તેડી ગયા હતા. પાયલ બે વર્ષ સુધી માવતરે રહી હતી અને જમાઈ રાહુલના ફોન દીકરી પર આવતા હતા અને વાતચીત કરતા હતા.

આશરે એકાદ મહિના પૂર્વે જમાઈ રાહુલનો ફોન આવ્યો અને પાયલ ઉર્ફે રાનીને તેની સાથે રહેવા મોકલી આપો તે પાયલ અને રેવાલી બંનેને સાથે રાખશે, હવે પાયલ સાથે કોઈ ઝઘડો નહિં કરે તેમ કહ્યું હતું. બાદમાં જમાઈ રાહુલ ઘરે આવી પાયલને સાથે લઇ ગયો હતો અને મોરબીનાં જાંબુડિયા ગામે આવેલ ઓલ્વીન સિરામિકમાં રહીને મજુરી કરતા હતા. આજથી આઠ દિવસ પૂર્વે પાયલ ઉર્ફે રાનીએ પિતાને ફોન કર્યો હતો કે, 'પતિ રાહુલને તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા છે અને મને સાથે રાખવી નથી. જેથી ઝઘડો કરી હેરાન કરે છે, મને મારી નાખશે.' તેમ કહ્યું હતું. જેથી પિતાએ રાહુલને સમજાવી દેશે કહ્યું હતું. આ દરમિયાન તા. ૨૪-૧૨ના રોજ સવારે પાયલના જેઠ ભીમસિંહનો ફોન આવ્યો કે પાયલ બેહોશ છે અને સારવાર માટે હોસ્પિટલ લઇ જઈએ છીએ. બાદમાં ભીમસિંહનો ફોન આવ્યો કે પાયલ ઉર્ફે રાની ગુજરી ગઈ છે. પાયલને શું થયું પૂછતાં રૃમમાંથી પાછળના ભાગે નીચે પડી જતા ગુજરી ગયાનું જણાવ્યું હતું. દીકરી પાયલના શરીરે ઈજાના નિશાન હતા અને શરીરે કોઈ દોરડું બાંધ્યું હોય. તેવા નિશાન જોવા મળ્યા હતા. અંતે  પીએમ રીપોર્ટમાં મોતનું કારણ ગળું દબાવી મારી નાખ્યાનું ખુલ્યું હતું.

આમ મૃતક પાયલ ઉર્ફે રાનીના પતિ રાહુલ નાયકને તેની સાથે મજુરી કરતી રેવાલી સાથે આડા સંબંધ હોવાથી તેને પત્ની તરીકે સાથે રાખતો હતો અને પત્ની પાયલને રાખવી ના હોવાથી બંનેએ મળીને ગળું દબાવી મોત નીપજાવી હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે. હત્યા બાદ દીકરીના મૃતદેહને દોરડાથી બાંધી ઓરડીની પાછળ નીચેના ભાગે મૃતદેહ ઉતારી પુરાવાનો નાશ કર્યો હતો. અને દીકરીના મોત બાબતે ખોટી માહિતી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.


Google NewsGoogle News