વાંકાનેરમાં પતિ શંકા રાખી ઝગડા કરતો હોવાથી ગળાફાંસો ખાઇ પત્નીએ જીવ દીધો
મોરબી જિલ્લામાં આપઘાત, અપમૃત્યુના 4 બનાવ : મોરબી, વાંકાનેરમાં બે યુવાનોના આપઘાતઃ ભડિયાદ જતા રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે યુવાનનું મોતઃ લાભનગરવિસ્તારમાં દાઝી જતાં યુવાનનો ભોગ લેવાયો
મોરબી, : મોરબી જિલ્લામાં આપઘાત, અપમૃત્યુના પાંચ બનાવ નોંધાયા છે. વાંકાનેરમાં પતિ શંકા રાખી ઝગડા કરતો હોવાથી પરિણીતાએ કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું. વાંકાનેર તથા મોરબીમાં બે યુવાનોએ આપઘાત કર્યો છે. ભડિયાદ જતા રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે યુવાનનું મોત થયું છે. જ્યારે મોરબીના લાભનગર વિસ્તારમાં દાઝી જતા યુવાનનું મોત થયું છે.
વાંકાનેરની મિલ સોસાયટી ચાર માળિયા બિલ્ડીંગમાં રહેતા હીનાબેન રફીકભાઈ બાબરિયા (ઉ.વ.૨૩) નામની પરિણીતાએ ઘરના રૃમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ પતિ રફીક હીનાબેન પર નાની નાની વાતે શક વહેમ કરતો હતો અને ઝઘડા થતા હોવાથી કંટાળી પત્નીએ આપઘાત કર્યાનું ખુલ્યું છે. વાંકાનેરના સરતાનપર રોડ પર સોલારીસ સિરામિક કારખાનાની ઓરડીમાં રહીને કામ કરતા શૈલેન્દ્રકુમાર પ્રમોદકુમાર (ઉ.વ. 19) નામના યુવાને પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મોરબીના વાવડી રોડ પર કારિયા સોસાયટીમાં રહેતા જીલ અનિલભાઈ બારડ (ઉ.વ.19) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં રહેતા વિજય લાલજીભાઈ સોલંકી (ઉ.વ. 37) નામના યુવાન નઝરબાગ રેલ્વે સ્ટેશનથી ભડિયાદ જતા રેલ્વે ટ્રેક પર પસાર થતી ટ્રેનની હડફેટે ચડી જતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબીના લાભનગર ધરમપુર રોડ મફતિયાપરાના રહેવાસી ચતુર સોમાભાઈ સાલાણી (ઉ.વ. 25) નામના યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર દાઝી જતા મોત થયું હતું. બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.