૫૭૦ કર્મચારીઓને કાયમી કરવાની માગ સાથે તા.૧૬ થી ભૂખ હડતાળ શરૃ
બાળ મેળાની કામગીરીનો બહિષ્કાર : સમિતિની પ્રથમ બેઠક મળ્યા બાદ કશુ નક્કર ન જણાતા સંઘની ઘોષણા
વડોદરા,વડોદરા મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના ૫૭૦ કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે આજરોજ સમિતિની બેઠક મળી હતી, જેમાં ચર્ચા-વિચારણા બાદ સંઘને સંતોષ નહીં થતા તા.૧૬થી ભૂખ હડતાળ પર ઊતરવાનું એલાન આપ્યું છે.
પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું કે, ભૂખ હડતાળ પર બેઠા પછી જ્યાં સુધી માગણીનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ઊભા થઈશું નહીં. આ ઉપરાંત શિક્ષણ સમિતિના બાળમેળાનો પણ બહિષ્કાર કરાશે અને તેને લગતી કામગીરી નહીં કરાય.
આજે કોર્પોરેશનમાં સમિતિની બેઠક બાદ નીચે એકત્રિત કર્મચારીઓને જણાવાયું હતું કે, કોર્ટ ચુકાદા બાદ સંઘના અને કોર્પોરેશનના વકીલોને બોલાવીને આ મુદ્દે હવે કઈ રીતે આગળ વધી શકીે તે અંગે નિર્ણય કરીએ, પરંતુ સંઘે કોઈ મચક આપી નહીં અને અગાઉ ભૂખ હડતાળનો જે નિર્ણય જાહેર કર્યો હતો, તે ચાલુ રાખવા ઘોષણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ૧૯૭૭ થી આજ સુધીની તમામ વિગતો ભેગી કરી કોર્ટ અને લેબર કોર્ટ સમક્ષ ચાલેલી કાર્યવાહી, તેના ચુકાદા વચગાળાના ચુકાદા વગેરેનો અભ્યાસ કરીને હાલની માંગણી તથા કોર્પોરેશનમાં આવનાર આર્થિક બોજની ગણતરી કરી એક અભિપ્રાય સાથે કમિટી સમક્ષ રજૂ કરવાની વિગતો તૈયાર કરીને આપી દેવામાં આવી છે. ૫૭૦ કર્મચારીઓને કાયમી કરવાના છે, તેમાંથી હાલ ૧૧૫ હાજર છે. ૭૦ થી ૮૦ કર્મચારી મૃત્યુ પામ્યા છે, અને બાકીના નિવૃત્ત છે.