ભરુચમાં સતત ત્રીજા દિવસે પણ માનવ મૃતદેહના અંગો મળ્યા, ઘટનાનું રહસ્ય હજુ પણ અકબંધ
Human Body Parts Found In Bharuch : ગુજરાતમાં મારામારી, હત્યા સહિતના ગુનાઓની ચકચારી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે 29 માર્ચ, 2025ના રોજ ભરૂચના ભોલાવ વિસ્તારમાં દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી અજાણી વ્યક્તિનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ મામલે વધુ તપાસ કરતાં બીજા દિવસે (30 માર્ચે) થોડે દૂર ગટરમાંથી અન્ય અંગ મળ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. આજે સોમવારે (31 માર્ચ, 2025) સતત ત્રીજા દિવસ માનવ મૃતદેહના અન્ય અવશેષ મળ્યા છે. ગટરમાંથી માનવ મૃતદેહનો હાથ મળી આવ્યો છે, ત્યારે મૃતક અને હત્યાને અંજામ આપનાર કોણ છે તે હજુ સુધી જણાય આવ્યું નથી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગટરમાંથી મળ્યું હતું અજાણ્યા વ્યક્તિનું માથું
ભરૂચના ભોલાવ વિસ્તારમાં કોલેજ રોડ પર આવેલી દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી બે દિવસ પહેલાં અજાણ્યા વ્યક્તિનું માથું મળી આવ્યું હતું. ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. માનવ અંગો મળવાને લઈને વધુ તપાસ કરતાં બીજા દિવસે શરીરના અન્ય અંગો મળી આવ્યા છે. જેમાં ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો હતો. ત્યારે આજે સોમવારે ત્રિજા મૃતદેહના મળી આવેલાં બંને અંગો કોઈ એક વ્યક્તિના હોવાનો પોલીસનો અંદાજ છે.
આ પણ વાંચો: ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત, 2 ઈજાગ્રસ્ત
શહેરની ગટરમાંથી અજાણ્યા વ્યક્તિના માથા, ઘૂંટણ સુધીના શરીરના અંગો અને હવે ત્રીજા દિવસે હાથના અંગો મળતાં પોલીસે અન્ય અંગોની શોધખોળ શરૂ કરી છે. જ્યારે સમગ્ર ઘટનાનું રહસ્ય હજુ પણ અકબંધ છે, ત્યારે શું છે સમગ્ર મામલો તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.