સમેત શિખરજી, પાલીતાણા તીર્થની રક્ષા માગતા જૈનોની રાજકોટમાં વિશાળ રેલી
મણિયાર દેરાસરથી કલેક્ટર કચેરી સુધી રેલીમાં સૂત્રોચ્ચાર ગાજ્યા ગેરકાયદે ખનન અને અસામાજિક તત્વોની રંજાડ સહિતના પ્રશ્ને : પખવાડિયાંમાં કાર્યવાહી નહીં કરાય તો આમરણ ઉપવાસ આંદોલન કરવાનું પણ વિચારાધિન
રાજકોટ, : પવિત્ર તીર્થધામ સમેતશિખરજી અને શ્રી શેત્રૂંજય ગિરિરાજની ગરિમાના રક્ષણ મામલે શરૂ થયેલી ચળવળ આગળ ધપી રહી છે. ગઈકાલે અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરો બાદ આજે રાજકોટમાં પણ જૈન સમુદાયે વિશાળ રેલી યોજીને તીર્થસ્થળોની સુરક્ષાની માગણી દોહરાણવી હતી, તેમજ 'જય ગિરિરાજ' સહિતના નારા લગાવી સરકારી તંત્રને ઢંઢોળીને રાજય સરકારને આવેદનપત્ર સોંપાયું હતું.
રાજકોટના મણિયાર જિનાલયથી સવારે નીકળેલી આ રેલીમાં હજારો જૈનો સામેલ થયા હતા. સમસ્ત જૈન સમાજના નેજા હેઠળની રેલીમાં દેરાવાસી, તેરાપંથી સ્થાનકવાસી, શ્વેતાંબર, દિગંબર સંપ્રદાય સહિતના જૈનોએ કલેકટર કચેરી સુધીના સમગ્ર રૂટ પર શેત્રૂંજય હમારી શાન હૈ, ગિરિરાજ હમારી શાન હૈ વગેરે સૂત્રોચ્ચાર કર્યા હતા.
રેલીના ગંતવ્ય સ્થળ જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં પણ નારા લગાવાયા હતા તથા અધિક કલેકટર કક્ષાના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે ર૦ ભગવંત જયાં નિર્વાણ પામ્યા તે સમેતશિખરજીને પર્યટન સ્થળ બનાવવા સરકારે લીધેલા નિર્ણયથી જૈનોની લાગણી દુભાઈ છે. રોહીશાળા સ્થિત પ્રભુનાં પ્રાચીન પગલાંને નુકસાન કરનારા અસામાજિક તત્વો સામે હજુ કોઈ કાર્યવાહી નથી થઈ. શ્રી શેત્રૂંજય ગિરિરાજ આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ખનન, ગેરકાયદે બાંધકામ, પેશકદમી, જમીન ગેરકાયદે ખાનગી નામે ચઢાવી દેવી વગેરે પ્રવૃત્તિઓની તપાસ કરી ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી માગણી પણ ઉઠાવાઈ છે. સમગ્ર જૈન સમાજની આસ્થાનાં કેન્દ્રસમા તીર્થસ્થાનો આસપાસ દારૂના અડ્ડા તથા નોનવેજ આઈટમોનું વેચાણ ડામી દેવા જોઈએ, તેમજ પ્રતિબંધનું પાલન કરાવવું જોઈએ.
વિહાર સેવા ગ્રૂપ અને ગિરિરાજ સેવા ગ્રૂપ (રાજકોટ)ના પ્રમુખ વિમલ શેઠે કહ્યું કે ''પંદરે'ક દિવસમાં સરકાર આ બાબતો વિશે ઘટતી કાર્યવાહી ન કરે તો ગાંધીનગર ખાતે આમરણાંત ઉપવાસ કરવાની વિચારણા ઉચ્ચ સ્તરે ચાલી રહી છે તેવું જાણવા મળ્યું છે, પણ વિગતવાર નિર્ણયની હવે પછી સર્વત્ર જાણ કરાશે.''
કોઈ આળોટતાં-આળોટતાં, તો ઘણાં પોતાનાં બાળકોને લઈને જોડાયા
રાજકોટની રેલીમાં એક શ્રાવક તો મણિયાર દેરાસરથી આળોટતાં-આળોટતાં કલેકટર કચેરીએ પહોંચ્યા હતા, જયારે બે-ત્રણ વર્ષની વયનાં ઘણાં બાળકો પણ વાલીઓ સાથે રેલીમાં સામેલ થયા હતા. એક દંપતી તો માત્ર એક માસના સંતાનને લઈને વિરોધ રેલીમાં જોડાયું હતું.