વડોદરામાં વહેલી સવારે બેંક અને ફ્લેટમાં લાગી ભીષણ આગ : દિવ્યાંગ યુવક બળીને ભડથું
Fire Incident in Vadodara : વડોદરા શહેરમાં આજે વહેલી સવારે બે સ્થળે આગના બનાવો બન્યા હતા. જેમાં એક દિવ્યાંગ વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલા ઈએમઆઈ ટાવર ફ્લેટમાં ત્રીજા માળે આજે સવારે ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સતત અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયત્ન કર્યા બાદ આગ કાબુમાં આવી હતી. દરમિયાનમાં તપાસ કરતા ઘરમાં એક વ્યક્તિ બળીને ભડથું થઈ ગયાનું જણાઈ આવ્યું હતું.
આ બનાવ અંગે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે તેમના પાડોશમાં રહેનારા દ્વારા ઘરમાં આગ લાગ્યાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ત્રીજા માળે રહેતા દિવ્યાંગ રવિ શર્મા નામના વ્યક્તિનું આગને કારણે દુઃખદ અવસાન થયું છે.
આગના બનાવ અંગે ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટને કારણે આ ભીષણ આગ લાગી હોવાનું માનવામાં આવે છે. જે અંગે એફએસએલને જાણ કરવામાં આવી છે. તેઓની તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળશે.
આજે સવારે કેન્ડીગેટ રોડ પર આવેલી સુલેમાની કો ઓપરેટીવ બેંકમાં પણ ભીષણ આગ લાગી હતી. જેની જાણ આજુબાજુના રહીશોએ ફાયર બ્રિગેડને કરતા સ્થળ પર આવી પહોંચી તાત્કાલિક આગ કાબુમાં લેતા નુકસાન થતું અટક્યું હતું. નસીબ જોગે બેંક શરૂ થઈ ન હતી જેથી કોઈ જાનહાની થઈ નથી. તેમ ફાયર બ્રિગેડના વર્તુળોએ જણાવ્યું હતું.