જામનગરમાં રણજીત રોડ પર ગઈ રાત્રે 8 વાગ્યે કારચાલક બેકાબુ બન્યો : ત્રણથી ચાર સ્કૂટરને હડફેટે લેતાં ભારે અફડાતફડી
Jamnagar Accident : જામનગરમાં રણજીત રોડ પર ગઈકાલે રાત્રે 8 વાગ્યે એક કાર ચાલક બેકાબુ બન્યો હતો, અને સ્ટીયરીંગ પરથી પોતાનો કાબુ ગુમાવી બેસતાં આગળ જઈ રહેલા ત્રણથી ચાર સ્કૂટરને હડફેટમાં લઈ લીધા હતા. આ બનાવને લઈને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
બેડીકેટથી રણજીતરોડ પર પુરપાટ વેગે જઈ રહેલા કાર ચાલકે કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાથી ટ્રાફિકજામ થયો હતો, અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એકત્ર થયેલા લોકોએ કાર ચાલકને તેમાંથી બહાર કાઢી લઈ લમધારી નાખ્યો હતો. જે દરમિયાન પોલીસ તંત્રને જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આખરે મામલો થાળે પડ્યો હતો, અને રણજીત રોડ પરના વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. સમગ્ર બનાવ મામલે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.