જામનગર નજીક ડીઝલ ભરેલા ટેન્કરના ટાયરમાં ઓચિંતી આગ લાગતાં ભારે અફડાતફડી
Jamnagar Fire Incident : જામનગરની ભાગોળે ખંભાળિયા બાયપાસ ચોકડી પાસે ગઈકાલે રાત્રે ડીઝલ ભરીને રાજકોટ તરફ જઈ રહેલા જી.જે.12 એ.ટી.8003 ટેન્કરના પાછલા ટાયરના જોટામાં અકસ્માતે આગ લાગતાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, અને ટેન્કર ચાલક તેમાંથી છલાંગ લગાવીને બહાર નીકળી ગયો હતો.
સૌ પ્રથમ ટેન્કર ચાલક તથા અન્ય લોકોએ એકત્ર થઈને ટેન્કરની અંદર રહેલા ફાયરના નાના બાટલાનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ટેન્કરમાં ડીઝલનો જથ્થો ભરેલો હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને જાણ કરી દેવાતાં ફાયર શાખાના કર્મચારી એપલ વારા સહિતની ફાયરની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે મારો ચલાવી ટાયરમાં લાગેલી આગને બુઝાવી દીધી હતી, તેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. સદભાગ્યે સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાથી વધુ નુકસાની થતી અટકી હતી.
માત્ર પાછલું ટાયર ઘર્ષણના કારણે સળગ્યું હતું, જેને ટેન્કર ચાલક દ્વારા બદલી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ ટેન્કરને કરી તેને રાજકોટ તરફ લઈ જવામાં આવ્યું છે.