જામનગરમાં મીઠાઈની દુકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ લાગવાથી ભારે અફડાતફડી
Jamnagar Fire : જામનગરમાં બેડીગેઇટ જેવા ભરચક વિસ્તારમાં સુપર માર્કેટ પાસે આવેલી એ-વન સ્વીટ નામની મીઠાઈ ફરસાણની દુકાનમાં આજે સવારે 11.30 વાગ્યાના અરસામાં મીઠાઈ બનાવવામાં આવી રહી હતી, જે દરમિયાન એકાએક રાંધણ ગેસનો બાટલો લીક થવાના કારણે આગ લાગી હતી, અને ભારે અફડાતફડી સર્જાઇ હતી. બેડી ગેઇટ જેવા ભરચક વિસ્તારમાં આ બનાવ બન્યો હોવાના કારણે લોકોના ટોળા એકત્ર થયા હતા, અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ વિભાગના રણજીત પાદરીયા, સંજયભાઈ સહિતની ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ રાંધણ ગેસના બાટલાને સહી સલામત રીતે બહાર કાઢી લીધો હતો, ત્યારબાદ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લેતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. ગેસની નળી લીક થવાના કારણે આગનો બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.