'અલવિદા કેવી રીતે કહું અંશુમન મારો ઓપનિંગ પાર્ટનર અને દોસ્ત હતો : સુનિલ ગાવાસ્કર
અંશુમન ગાયકવાડની પ્રાર્થના સભામાં સુનિલ ગાવાસ્કર ઉપરાંત કપિલ દેવ, બલવિંદર સંધુ અને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહ્યા
વડોદરા : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને ક્રિકેટર અંશુમન દત્તાજીરાવ ગાયકવાડનું તા.૩૧ જુલાઇ બુધવારે રાત્રે વડોદરા ખાતે અવસાન થયુ હતું. તેમને શ્રધ્ધાંજલિ આપવા માટે આજે યોજાયેલી પ્રાર્થનાસભામાં લેજન્ડરી ક્રિકેટરો સુનિલ ગાવાસ્કર, કપિલ દેવ અને બલવિંદરસિંગ સંધુ તથા બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા એક બેન્ક્વેટ હોલમાં આજે સાંજે ૪ થી ૬ દરમિયાન સ્વ.અંશુમન ગાયકવાડના પરિવારજનો દ્વારા પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું.પ્રાર્થનસભામાં સૌપ્રથમ બલવિંદરસિંગ સંધુ આવી પહોંચ્યા હતા તો સુનિલ ગાવાસ્કર અને કિરણ મોરે ૪.૩૦ વાગ્યે આવી ગયા હતા. જ્યારે કપિલ દેવ અને જય શાહ પ્રાર્થનાસભા પુરી થવા આવી ત્યારે ૬.૩૦ વાગ્યે આવ્યા હતા અને ૭ વાગ્યા સુધી રોકાયા હતા. આ તમામ મહાનુભાવોએ સ્વ.અંશુમન ગાયકવાડના પરિવારને મળીને શાંત્વના પાઠવી હતી.
અન્ય મહાનુભાવોમાં વડોદરાના મહારાજા સમરજીતસિંગ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડ, વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્મા, પૂર્વ ક્રિકેટરો દશરથ પરદેશી અને અતુલ બેદાડેએ પણ હાજરી આપી હતી. બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો ઉપરાંત ડીજીપી વિકાસ સહાયે પણ હાજરી આપી હતી.
પ્રાર્થનાસભાના અંતમાં સુનિલ ગાવાસ્કરે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે 'અંશુમન મારો ઓપનિંગ પાર્ટનર હતો, મારો દોસ્ત હતો. મેચમાં ફાસ્ટ બોલરોનો સામનો કરવો એ ચિંતાનો વિષય હોય છે એટલે હું અને અંશુમન મેચના આગલા દિવસે સ્ટ્રેટેજી બનાવતા અને તેમાથી અમારી દોસ્તી ગાઢ બની. મારા પાર્ટનર અને દોસ્તને અલવિદા તો કેમ કહેવી, તેની સાથેનું કનેક્શન કાયમ રહેશે. અમને ખબર હતી કે તેને બ્લડ કેન્સર છે અને સ્થિતિ ગંભીર છે તેમ છતા કોઇ ચમત્કાર થાય તેવી આશા હંમેશા રહેતી હતી'
૧૯૮૩ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના એક સાથે ૩ હીરો સુનિલ ગાવાસ્કર, કપિલ દેવ અને બલવિન્દર સંધુ વડોદરામાં
વડોદરામાં આજે યોજાયેલા સ્વ.અંશુમાન ગાયકવાડની પ્રાર્થનાસભમાં ખેલ જગત સહિત અન્ય ક્ષેત્રના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી અને અંશુમન ગાયકવાડને યાદ કરીને શ્રધ્ધાંજલિ આપી હતી.
ખાસ તો ત્રણ લેજન્ડરી ક્રિકેટરો સુનિલ ગાવાસ્કર, કપિલ દેવ અને બલવિન્દર સંધુને એક સાથે જોઇને વડોદરાના ક્રિકેટ ચાહકોએ ૧૯૮૩ વર્લ્ડ કપને યાદ કર્યો હતો. વર્લ્ડ કપની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ભારત ચેમ્પિયન બન્યુ હતું તે સમયે જે ટીમ હતી તેમાં આ ત્રણ હીરો સુનિલ ગાવાસ્કર, કપિલ દેવ અને બલવિન્દર સંધુ પણ હતા.
બલવિન્દર સંધુ અંશુમનને યાદ કરીને એટલા ભાવુક બની ગયા હતા કે તેઓ એક શબ્દ બોલી શક્યા નહતા. પત્રકારોએ જ્યારે તેમને પુછ્યુ કે તમારા સાથીની યાદમાં તમે શું કહેશો તો તેઓ એટલુ જ બોલી શક્યા હતા કે હું કશુ બોલી શકુ તેવી સ્થિતિમાં જ નથી.
ભારે વરસાદના કારણે વડોદરા જળબંબાકાર, જય શાહ, કપિલ દેવ અને સુનિલ ગાવાસ્કર ટ્રાફિકજામમા ફસાયા
માત્ર એક ઇંચ વરસાદમાં વડોદરામાં સ્થિતિ વણસી જાય છે ત્યારે ગુરૃવારે ધોધમાર ૩ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. સામાન્ય રીતે ૩ ઇંચ વરસાદ વધુ ના કહેવાય પરંતુ વડોદરામાં તો આટલા વરસાદમાં જળબંબાકાર સર્જાયો હતો. સાંજે પીક અવર્સમાં જ ભારે વરસાદના કારણે ચોતરફ પાણી ભરાતા હજારો લોકો ટ્રાફિકજામમાં ફસાયા હતા.
આ મહાનુભાવોને વડોદરાનો વહીવટ કેવા લોકોના હાથમાં છે તેનો પ્રત્યક્ષ અનુભવ થઇ ગયો
જય શાહના શૂઝ ખોવાયા, જાતે શોધ્યા
બીસીસીઆઇના સેક્રેટરી અને કેન્દ્રીય ગૃહમંત્ર અમિત શાહના પુત્ર જય શાહે પ્રાર્થનાસભામાં પ્રવેશતા પૂર્વે પોતાના સુઝ ઉતાર્યા હતા. તેઓ જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે બુટ-ચપ્પલોના ઢગલામાં તેઓના સુઝ નહી દેખાતા એક તબક્કે તેમની સાથે આવેલો સ્ટાફ પણ દોડતો થયો હતો જો કે જય શાહે થોડા સમય ફંફોસ્યા બાદ પોતાના શૂઝ શોધી લીધા હતા.
બીસીએના પ્રમુખની ગેરહાજરીની નોંધ લેવાઇ
ક્રિકેટ લેજન્ડ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અંશુમન ગાયકવાડની પ્રાર્થનાસભામા આજે દિગ્ગજ ક્રિકેટરો ઉપરાંત બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે પણ હાજરી આપી હતી. બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના હોદ્દેદારો પણ આવ્યા હતા પરંતુ બીસીએના પ્રમુખ પ્રણવ અમીનની ગેરહાજરી ચર્ચાનો વિષય હતો. કેમ કે પ્રણવ અમીને અંશુમન ગાયકવાડની અંતિમવિધિમાં પણ હાજરી આપી નહતી.