ગુજરાત પર કેટલું દેવું? કેન્દ્ર અને રાજ્યના આંકડામાં વિરોધાભાસ હોવાનો કોંગ્રેસનો દાવો
Gujarat Debt : ભાજપ સરકારના રાજમાં હંમેશા આંકડાઓની માયાજાળ રહી છે. સામાન્ય જનતા આ આંકડાની માયાજાળને ક્યારેય ઉકેલી કે સમજી શકી નથી. ભાજપ સરકાર પ્રસિદ્ધિ માટે રાઇનો પહાડ બનાવી દે છે, જ્યારે ભાજપ સરકારની ખામી કે ભૂલ હોય ત્યાં હંમેશા આંકડા છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અનેકવાર વિપક્ષ દ્વારા ભાજપ સરકારના જૂઠાણાંનો પર્દાફાશ કરવામાં આવે છે. ત્યારે હવે ગુજરાતના દેવાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આંકડાઓમાં મોટો તફાવતનો વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આવો એક નજર કરીએ આંકડાઓ પર...
ગુજરાતના માથે કેટલું દેવું ? 3,70000 કરોડ કે 4,44,753.3 કરોડ ?
વિધાનસભામાં ભાજપ સરકાર દ્વારા આપવામાં આવેલા ખોટા આંકડા અંગે ભાજપ સરકારની પોલ ખોલતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં હંમેશાથી સત્ય અને પારદર્શક સંસદીય કામગીરીની પરંપરા રહી છે, ત્યારે ભાજપ સરકાર દ્વારા વિધાનસભામાં ગુજરાત રાજ્યનું કુલ દેવું 3,70,000 કરોડ જેટલું છે તેમ દર્શાવામાં આવ્યું છે. પરતું લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબમાં ગુજરાત રાજ્ય પર 4,43,753.3 કરોડ જેટલું દેવું દર્શાવવમાં આવ્યું છે.
આ પણ વાંચો: 'ગુજરાતમાં બાળક 66,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે', બજેટ કરતાં દેવાનો આંકડો મોટો
શું કહે છે રીઝર્વ બૅંક ઓફ ઇન્ડિયા રિપોર્ટ
લોકસભામાં રીઝર્વ બૅંક ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ ‘સ્ટેટ ફાયનાન્સ: એ સ્ટડી ઑફ બજેટ ઑફ 2023-24’ અંતર્ગત આપવામાં આવેલ વિગતો દર્શાવે છે કે ગુજરાત રાજ્યનું દેવું સતત વધી રહ્યું છે. વર્ષ 2007માં રાજ્ય પર 90,955.7 કરોડ દેવું હતું, જે અધધ વધીને વર્ષ 4,43,753.3 કરોડ અને વર્ષ 2025માં 4,94,435.9 કરોડ થઈ જશે. જે રાજ્યના એક વર્ષના કુલ બજેટના કરતાં પણ વધુ છે.
ગાંધી બાપુ અને સરદાર સાહેબના ગુજરાતમાં સાદગી અને સરળતાને કાર્યપદ્ધતિ બનાવી હતી. જ્યારે ભાજપ સરકારે કરોડો રૂપિયા દેવું કરીને પણ ગુજરાતના નાગરિકોને 500 રૂપિયે ગેસનો બાટલો નથી મળતો, મહિલાઓને મફત બસ પ્રવાસ આપવામાં નથી આવતો. આ જ દર્શાવે છે કે ભાજપ સરકારએ માનીતા ઉદ્યોગપતિઓ માટે જ કામ કરી રહી છે.