વડોદરા સામૂહિક દુષ્કર્મના નરાધમોના મકાનો ગેરકાયદે, નોટિસ બાદ બુલડોઝરવાળી થવાની શક્યતા!
Vadodara Rape Case: વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનારા નરાધમોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભાજપના વોર્ડ નં.10 ના કોર્પોરેટરે તાંદલજા વિસ્તારના એકતાનગર વસાહતમાં રહે છે. આ અંગે માહિતી મળતા વિસ્તારની મુલાકાત લઈ તપાસ કરતા તેઓના મકાન ગેરકાયદે હોવાનું જણાતા કોર્પોરેશનમાં જાણ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને બે આરોપીને નોટિસ આપી છે.
ભાયલી વિસ્તારમાં બનેલા ગેંગરેપના બનાવ બાદ વોર્ડ નં.10ના કોર્પોરેટર નીતિન દોંગાને જાણકારી મળી હતી કે આરોપી તાંદળજા વિસ્તારના એકતાનગર વસાહતમાં રહે છે જેથી તેઓ એકતાનગર પહોંચી ગયા હતા. જેમાં તેઓએ તપાસ કરતા પરપ્રાંતીય નરાધમના મકાનો ગેરકાયદે હોવાની જાણકારી મળી હતી.
આ પણ વાંચો: ભાયલી ગેંગરેપનો ભોગ બનેલી વિદ્યાર્થીનીનો મોબાઇલ શોધવા વડસર પાસે નદીમાં પોલીસની તપાસ
નીતિન દોંગાએ કોર્પોરેશનના સત્તાવાળાઓને જાણ કરી હતી જે આધારે આજે કોર્પોરેશને સ્થળ પર સર્વે કર્યો હતો. તાંદળજા એકતાનગરમાં રહેતા મુન્ના અબ્બાસ બનજારા અને મુમતાજ ઉર્ફે આફતાબ બનજારાના મકાન ગેરકાયદે હોવાનું જણાઈ આવ્યું હતું જે આધારે બંને તાત્કાલિક અસરથી મકાન તોડવા નોટિસ આપવામાં આવી છે.