યુ.એમ રોડ પાસે અંબાનગરમાં ગેસ લિકેજને કારણે ઘરમાં આગ લાગી
- શ્રમજીવી મહિલાના રૃમમાં લાગેલી આગના લીધે બે ગેસ સિલિન્ડર, ઘરવખરી, કપડા, પંખોને નુકસાન
સુરત :
ઉધના મગદલ્લા ખાતે અંબાનગરમાં શ્રમજીવી મહિલાના એક રૃમમાં આજે શુક્રવારે સવારે સિલિન્ડર માંથી ગેસ લીકેજ થવાના લીધે આગ ફાટી નીકળતા ત્યાં ભાગદોડ થઈ થઈ જવા પામી હતી.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ઉધના મગદલ્લા રોડ આવેલા અંબાનગરમાં એક રૃમમાં ૨૩ વર્ષીય અનિતા પટાર તેના બે સંતાન સાથે રહે છે. અને તે મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. જોકે આજે શુક્રવારે સવારે તે ઘરમાં કામમાં વ્યસ્ત હતી. તે સમયે નાના સિલિન્ડર માંથી ગેસ લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. જેને લીધે રૃમમાં હાજર અનિતા તેમના બે સંતાન લઈને બહાર નીકળી ગઈ હતી. બાદમાં આગને લીધે નજીકમાં મૂકેલું ગેસનું મોટું સિલિન્ડર લપેટમાં આવી જતા આગ ફેલાઈ ગઈ હતી. જેના લીધે ત્યાં વધુ પ્રમાણમાં ધુમાડો નીકળવા માંગતા ત્યાં મકાનમાં રહેતા અને આજુબાજુના લોકોમાં ગભરાઈ જઈને ભાગદોડ થઈ જવા પામી હતી. કોલ મળતા બે ફાયર સ્ટેશની પાંચ ગાડી સાથે લાશ્કરો ત્યાં પહોચીને જીવના જોખમે સળગી રહેલા બે ગેસ સિલિન્ડર પાણી છંટકાવ કરીને બુઝાવ્યા હતા. બાદમાં ફાયરે થોડા સમયમાં પરિસ્થિતિ પર કાબુ મેળવતા ત્યાં હાજર લોકોએ હાસકારો અનુભવ્યો હતો. આગના લીધે બે ગેસ સિલિન્ડર, પંખા, વાયરીંગ, ઘરવકરી, કપડા સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ હતુ. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતું.