વડોદરામાં ઉનાળાનો હોટેસ્ટ ડે ઃ ૪૨.૨ ડિગ્રી ગરમી નોંધાઇ
સિઝનમાં પ્રથમ વખત ગરમીનો પારો ઉંચો નોંધાયો ઃ હજી બે દિવસ હિટ વેવ રહેવાની આગાહી
વડોદરા, તા.8 વડોદરામાં એપ્રિલ માસમાં આકરો ઉનાળા સાથે આજે હોટેસ્ટ ડેનો લોકોએ અનુભવ કર્યો હતો. ઉનાળાની લૂ લગાડતી ગરમી વચ્ચે આજે તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પણ પાર કરીને ૪૨.૨ ડિગ્રી નોંધાયો હતો.
છેલ્લા ત્રણ દિવસથી હિટ વેવના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઇ રહ્યા છે. આજે તાપમાન ૪૨ ડિગ્રીને પણ ક્રોસ કરી ગયું હતું જેના પગલે સવારથી જ ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વડોદરામાં આજે મહત્તમ તાપમાનમાં ૦.૬ ડિગ્રીનો વધારો થતાં ૪૨.૨ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ન્યૂનત્તમ તાપમાન સાધારણ ૦.૨ ડિગ્રી ઘટીને ૨૩.૬ ડિગ્રી રહ્યું હતું. આ ઉપરાંત પશ્ચિમ અને ઉત્તરના ૫ કિ.મી. ગતિના ગરમ પવનોએ લોકોને વધારે ગરમીનો અહેસાસ કરાવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે લૂં લાગતી ગરમી હજી બે દિવસ સુધી ચાલુ રહેશે. તંત્ર દ્વારા પણ યલો એલર્ટના પગલે ખાસ કરીને વૃધ્ધોને બહાર નહી નીકળવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માર્ચ માસની ૧૧મી તારીખે ૪૧.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે વર્તમાન ઉનાળાની ઋતુનું સૌથી ઉંચું તાપમાન હતું. આજે ગરમીનો હાલની ઋતુનો રેકર્ડ તૂટી ગયો હતો અને હોટેસ્ટ ડે રહ્યો હતો.