ઉનાળાનો હોટેસ્ટ દિવસ શહેરમાં લૂં લગાડતી ગરમી ૪૧.૨ ડિગ્રી તાપમાન નોંધાયું
માર્ચ માસમાં જ ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર કરી ગયો ઃ હજી બે દિવસ હિટ વેવ રહેશે
વડોદરા, તા.11 વડોદરામાં ઉનાળાની લૂ લગાડતી ગરમીનો માર્ચ માસમાં જ પ્રારંભ થઇ ગયો છે. આજે ઋતુનું સૌથી હોટેસ્ટ તાપમાન નોંધાયું હતું. ૪૧.૨ ડિગ્રી તાપમાનમાં લોકોએ શેકાતા હોય તેવો અનુભવ કર્યો હતો.
છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો સતત ઊંચો ચડતો જાય છે. છેલ્લા ત્રણ દિવસથી હિટ વેવના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઇ રહ્યા છે. આજે તો તાપમાન ૪૦ ડિગ્રીને પણ ક્રોસ કરી ગયું હતું જેના પગલે સવારથી જ ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો હતો. લૂ લાગે તેવી ગરમીના કારણે શહેરીજનો કામ વગર બહાર નીકળવાનું ટાળતા હતાં.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વડોદરામાં આજે મહત્તમ તાપમાનમાં ૧.૪ ડિગ્રીનો વધારો થતાં ૪૧.૨ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ન્યૂનત્તમ તાપમાનમાં પણ સાધારણ ૦.૨ ડિગ્રી વધારો થતાં ૨૨ ડિગ્રી રહ્યું હતું. આ ઉપરાંત પશ્ચિમ અને ઉત્તરના ૪ કિ.મી. ગતિના ગરમ પવનોએ લોકોને વધારે ગરમીનો અહેસાસ કરાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે લૂં લાગતી ગરમી હજી બે દિવસ સુધી ચાલુ રહેશે. તંત્ર દ્વારા પણ યલો એલર્ટના પગલે ખાસ કરીને વૃધ્ધોને બહાર નહી નીકળવાની સલાહ આપવામાં ાવી છે.