હોટલ માલિકના પુત્રે દારૃના નશામાં અકસ્માત કર્યો
બીજી કારના ચાલકે ફરિયાદ કરવાની ના પાડતા પોલીસે દારૃ પીને કાર ચલાવવાનો કેસ કર્યો
વડોદરા,મોડીરાતે જાંબુવા બ્રિજ નીચે નશેબાજ કાર ચાલકે અન્ય કાર સાથે અકસ્માત કર્યો હતો. કપુરાઇ પોલીસે દારૃ પીને કાર ચલાવતા યુવકની સામે ગુનો દાખલ કરી છે.
જાંબુવા બ્રિજ નીચે બે કાર વચ્ચે અકસ્માત થતા કપુરાઇ પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને જોતા ગાંધીનગરના પરિવાર અને વડોદરાના યુવકની કાર વચ્ચે અકસ્માત થયો હતો. પરંતુ, ગાંધીનગરના પરિવારે ફરિયાદ નોંધાવવાની ના પાડી હતી. જ્યારે બીજી કારના ચાલક ગુરજંગસીંગ તિરથસીંગ રાય, ઉં.વ.૩૭ (રહે. સંસ્કાર એક્ઝોટિકા, માણેજા) ની તપાસ કરતા તેણે દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, કપુરાઇ પોલીસ સ્ટેશનના હે.કો. રવિન્દ્રસિંહે તેની સામે દારૃ પીને કાર ચલાવવાનો કેસ નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, આરોપીના પિતા વરણામા વિસ્તારમાં અમૃતસરી ખાલસા હોટલ ચલાવે છે. આરોપી દારૃ પીને જાંબુવા બ્રિજ નીચે ચા નાસ્તો કરવા આવ્યો હતો. ત્યાંથી પરત જતા સમયે અકસ્માત થયો હતો.