વડગામ કેસમાં નવો વળાંક: વીમો પકવવા હોટલ માલિકે કર્મચારીની હત્યા કરી લાશને કારમાં સળગાવી દીધી
Banaskantha Murder Case : બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા ગામેથી કારમાંથી મળેલી લાશ મામલે નવો ખુલાસો થયો છે. આરોપીઓએ રૂપિયા 1.26 કરોડનો વીમો પકવવા માટે કરેલા કારસ્તાનમાં બે લાશનો ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું છે. જેમાં આ ષડયંત્ર રચનાર આરોપી દલપત સિંહે ચાર માસ અગાઉ મૃત્યું પામેલા રમેશભાઈ નામના વ્યક્તિની લાશ સ્મશાનમાંથી ખોદી લાવી સળગાવી હતી. જોકે પીએમ અને અન્ય પુરાવા બાદ આ લાશ થોડા સમય પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિની હોવાનો પુરાવો મળ્યો હતો.
બે લાશનો ઉપયોગ કર્યાનો પર્દાફાશ
અન્ય આરોપીઓની રિમાન્ડ લઈ પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ લાશ આરોપી દલપતસિંહની હોટલમાં નોકરી કરતા કર્મચારી વીરમપુરના રેવાભાઈ મોહનભાઈ ઠાકોરની છે. આ કર્મચારીની હત્યા કરી આરોપીઓએ તેને કારમાં મૂકી સળગાવ્યો હતો. રાજ્યમાં ચર્ચિત બનેલા બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા ગામે એક કારમાંથી મળેલ લાશમાં નવા નવા ચોંકાવનાર ખુલાસા થઈ રહ્યાં છે.
રૂપિયા 1.26 કરોડનો વીમો પકવવા માટે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર (રાજપુત) (રહે.ઢેલાણા, તા. પાલનપુર)એ મિત્રો સાથે મળીને ખુલના અકસ્માતના કરેલા નાટકના કારસ્તાનમાં બે લાશનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. જેમાં પ્રથમ કારમાંથી મળેલી લાશ એ પાલનપુરના ઢેલાણા ગામના રમેશભાઈ તળશીભાઈ સોલંકીની નથી તેવું પીએમ રિપોર્ટમાં સાબિત થયું છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં 1.5 કરોડ રૂપિયાનો વીમો પકવવા માટે દફનાવેલી લાશ લાવી કારમાં સળગાવી
જેથી અન્ય આરોપીઓની રિમાન્ડ લઈ પૂછપરછ કરતા અને ફોરેન્સીક મેડીકલ ઓફિસરનો રિપોર્ટ મુજબ, લાશ ચાર માસ જૂની નથી તેવું ખુલ્યું હતું. જેથી ઝડપાયેલા આરોપી સેધાજી ઘેમરજી ઉર્ફે ધિરાજી ઠાકોર રહે. ઘોડિયાલને પોલીસે પૂછતા તેણે જણાવ્યું હતું કે, આ લાશ દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહના હોટલ પર આશરે બે એક વર્ષથી મજુરી કામ કરતા વીરમપુરના રેવાભાઈ મોહનભાઈ ગામેતી (ઠાકોર)ની છે. જેની તમામે ભેગા મળી હત્યા કરી ગાડીમાં મૂકી સળગાવી હતી, તેવી કબૂલાત કરી હતી. તેમજ પ્રથમ સ્મશાનમાંથી જે લાશ કાઢી હતી તે ૨૨ ડિસેમ્બર આસપાસ દલપતસિંહ રાજપૂત સાથેના સહઆરોપી ભેમાજી ભીખાજી રાજપુત રહે.ઘોડીયાલ વાળાએ કાઢી પોતાના ખેતરમાં વખારમાં રાખી હતી.
જોકે લાશની સ્થિતિ એવી હતી કે માત્ર કુચો હાડકા જ દેખાતા હતા. જેથી વીમા કંપની સળગેલી લાશ જુવે તો વહેમ પડે અને વીમો પાકે નહિં આવા ભયથી લાશને ખેતરમાં જ ખાડો ખોદી સળગાવી દફનાવી દીધી હતી અને નવીન તાજી બોડી માટે હોટલના કર્મચારી એવા રેવાભાઈ મોહનભાઈ ઠાકોરની હત્યા કરી હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. આ કેસમાં હવે બે અલગ અલગ લાશોના અવશેષોનું ડીએનએ થશે. જેથી હવે આ પ્લાન બનાવનાર તમામ વિરૂદ્ધ મર્ડરનો નવો ગુનો વડગામ પોલીસમાં દાખલ કરવામાં આવ્યો છે.
લાશકાંડના કેસમાં સંડોવાયેલા આરોપીઓના નામ
(1) દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર (રાજપુત) (રહે. ઢેલાણા, તા.પાલનપુર)
(2) મહેશજી નરસંગજી મકવાણા (રહે. ઢેલાણા, તા.પાલનપુર)
(3) ભેમાજી ભીખાજી રાજપુત (રહે. ઘોડીયાલ, તા.વડગામ)
(4) સેઘાજી ઘેમરજી ઉર્ફ ધિરાજી ઠાકોર (રહે. ઘોડીયાલ, તા.વડગામ)
(5) દેવાભાઇ લલ્લુભાઇ ગમાર (રહે. ખેરમાળ, તા.દાંતા, હાલ રહે. ઘોડીયાલ, તા.વડગામ)
(6) સુરેશભાઈ બાબુભાઇ બુંબડીયા (રહે. વેકરી, તા.દાંતા, હાલ રહે. ઘોડીયાલ, તા.વડગામ)