ક્રાઈમ થ્રીલર જેવી ઘટના : સવા કરોડનો વીમો પકવવાનું તરકટ, કર્મચારીનો હત્યારો હોટેલ માલિક ઝબ્બે
Dhanpura Crime Thriller Case : ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે એવી સત્ય ઘટના પાલનપુરના વડગામના ધનપુરા ગામે સામે આવી છે. એક સળગતી કારમાંથી મળેલા મૃતદેહ પાછળ ઐય્યાશ અને દેવું વધી જતા હોટેલ માલિકના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોતાનો જ વીમો ઉતરાવી, પોતાના જ મોતમાં હત્યા કરેલી લાશનો ઉપયોગ કરી કમાણી કરવાની કરતૂત બહાર આવી છે. પોલીસે તપાસ બાદ આ ભેજાબાજ હોટેલ માલિક દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહને પકડી પાડ્યો છે અને ષડયંત્રમાં ભાગીદાર તેના અન્ય પાંચ સાગરિતો પણ અત્યારે પકડાઈ ગયા છે.
દલપતસિંહે ધનપુરા ખાતે એક હોટેલ ખરીદી હતી પણ તેમાં ધંધો ચાલતો નહીં. રોકેલા પૈસા સામે વળતર નહીં મળતા આર્થિક બોજો વધી રહ્યો હતો. આ ઉપરાંત, દલપતસિંહને રોફ જમાવવા, સિક્કો પાડવા ટોળકી રાખવાનો પણ શોખ. ટોળકી સાથે રોજ ઉજાણી કરવી, ખાણી-પીણી અને મોજશોખથી ઐય્યાશ જીંદગી હતી. દલપત ઉપર દેવું સતત વધી રહ્યું હોવાથી ક્રાઈમ થ્રીલર ફિલ્મોના ઉદાહરણ લઈ તેણે સાગરિતો સાથે મળી એક પ્લાન બનાવ્યો અને પ્લાનના પ્રથમ ચરણમાં પોતાનો કુલ રૂ. 1.26 કરોડના બે વીમા નવેમ્બર 2024માં ખરીદ્યો. એક વીમાની પોલીસીમાં અકસ્માતે મરણ પામે તો એક કરોડ અને બીજી પોલીસીમાં રૂા. 26 લાખની પોલીસી ખરીદવામાં આવી.
કાર અકસ્માત, વીજ કરંટ કે અન્ય રીતે આકસ્મિક વીમો પકવવા માટે દલપતનું મરણ જરૂરી હતી. જોકે દલપતનો વિચાર તો કોઈ બીજાના મોતને પોતાના અવસાનમાં ખપાવી વીમાની રકમ મેળવવાનો હતો. અકસ્માતે મોત માટે એક લાશની જરૂર હતી. એટલે સાગરિતોને કબરમાંથી લાશ મેળવવાનો આદેશ આપ્યો. સાગરિતો પ્રથમ પ્રયત્નમાં લગભગ ચાર મહિના જૂની લાશ લાવ્યા. લાશ દલપતના કદ-કાઠીની હતી, બીજું માત્ર હાડકાં જ દેખાતા હોવાથી કબરમાંથી બીજી લાશ મેળવવા પ્રયત્ન થયો. પરંતુ, બીજી વખત માત્ર હાડકાંના ભૂક્કા જેવું હાથ આવતા કબરની લાશવાળો પ્લાન રદ થયો.
આ પણ વાંચો: વડગામ કેસમાં નવો વળાંક: વીમો પકવવા હોટલ માલિકે કર્મચારીની હત્યા કરી લાશને કારમાં સળગાવી દીધી
પોતાના મોતને ઉપજાવી કાઢી પૈસા કમાવવા રઘવાયા બનેલા દલપતે પછી નવું ષડયંત્ર કર્યું. અમીરગઢના વીરમપુર ખાતે ચોકીદાર કરતા રેવાભાઈ ઠાકોર ઉપર એની નજર ઠરી. રેવાભાઈની પત્નીને નોકરીએ રાખી દંપતિને ધનપુરાની હોટેલ લાવવામાં આવ્યું. એક દિવસ મોકો જોઈ રેવાભાઈને ચિક્કાર દારૂ પીવડાવી, તેનું કાસળ કાઢી તેની લાશ કારમાં મૂકી તેને સળગાવી નાખવામાં આવી. પરંતુ પોલીસની સતર્કતા અને ઉપરવાળાની બેઅવાજ લાઠીથી દલપતનો ભાંડો ફૂટી ગયો. દલપત હવે પકડાઈ ગયો છે. તેના ઐય્યાસ સાગરિતોએ દલપતના ષડયંત્રની રજેરજની વિગતો પોલીસને જણાવી દીધી છે એટલે મોજમજાની જીંદગીના બદલે હવે દલપતે જેલમાં ચક્કી પીસવાનો વારો આવ્યો છે.
સળગેલી કારની ઘટના
- પોલીસને તા. 20 ડિસેમ્બરે સળગેલી કારમાં કોઈ અજાણ્યા વ્યક્તિના મૃત્યુ થવાની ખબર પડી ત્યારે તપાસ શરૂ થઈ.
- મૃતક દલપત હોવાની ઓળખ આપનાર કુટુંબીજનોની બોડી લેંગ્વેજ અને હાવભાવમાં સ્વજનના મોતનો શોક જણાતો હતો.
- સળગેલી કાર અને મળેલા મૃતદેહની એફએસએલમાં તપાસ થઈ.
- કાર અંદરથી નહીં, બહારથી જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવવામાં આવી હતી એવું ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું.
- આ અકસ્માત નહીં પણ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ હોવાનું પ્રાથમિક તારણ.
પતિ ગુમ થવાની ફરિયાદ
- બીજી તરફ, પોતાનો પતિ ચાર દિવસથી ગુમ છે આવી ફરિયાદ ચોકીદાર રેવાભાઈના પત્નીએ નોંધાવી હતી.
- પત્નીએ નિવેદનમાં જણાવેલું કે દલપતનો સાગરિત ભેમાજી રાજપૂત રેવાભાઈને ઘરેથી પોતાની સાથે લઈ ગયેલો.
પોલીસની તપાસ
- CCTV ફૂટેજના આધારે સળગેલી કારના કેસમાં પોલીસે કેટલાક લોકોની અટકાયત કરેલી.
- પૂછપરછમાં આરોપી ભેમાજીએ ઘટનાક્રમમાં વટાણા વેરી નાખ્યા.
- ચોકીદાર રેવાભાઈની હત્યા કરી, કારમાં ગોઠવી તેને દલપતની લાશમાં ખપાવવાનો પ્રયાસ થયો હોવાની ભેમાજીની કબૂલાતના આધારે ભાંડો ફૂટ્યો હતો.
ચોકીદાર રેવાજીની હત્યા કેવી રીતે થઈ
ચોકીદાર રેવાજીને ફોસલાવી હોટેલની નજીકની ઓરડીમાં ચિક્કાર દારૂ પીવડાવવામાં આવ્યો હતો. ચહેરાની ઓળખ છૂપાવવા માટે દારૂના નશામાં બેભાન રેવાજીના મોઢા ઉપર સળગતો સ્ટવ મુકવામાં આવ્યો હતો. ચહેરો દાઝી ગયા બાદ તેને ગળો ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારેલા.
ગુનામાં સંડોવાયેલા આરોપીઓ
1. દલપત ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર (રહે. ઢેલાણા)
2. મહેશ નરસંગજી મકવાણા (રહે. ઢેલાણા)
૩. ભેમાજી ભીખાજી રાજપુત (રહે. ઘોડીયાલ)
4. સેઘાજી ઘેમરજી ઉર્ફ ધિરાજી ઠાકોર (રહે. ઘોડીયાલ)
5. દેવા લલ્લુભાઇ ગમાર (રહે. ખેરમાળ, તા.દાંતા, હાલ રહે. ઘોડીયાલ)
6. સુરેશભાઈ બાબુભાઇ બુંબડીયા (રહે. વેકરી, દાંતા, હાલ રહે. ઘોડીયાલ)