સોનાના ભાવમાં ગરમી, સોની બજારમાં ઠંડી, : 10 ગ્રામના ટેક્ષ સાથે રૂ।. 65000
ના માંગુ સોના ચાંદી, ના માંગુ બંગલા ગાડી યહ મેરે કિસ કામ કે.. : જ્વેલરીમાં દેશમાં નં. 1 રાજકોટની સોની બજારમાં મોંઘા સોનાથી મંદીના વાદળો ઘેરાયા : વેચાણમાં 70 ટકા ઘટાડો : યુવાનોમાં સોનાનો ક્રેઝ નહીવત્ : પરંપરાગત સોના ખરીદીમાં પણ ઉંચા ભાવના કારણે ઘટતું વલણ
રાજકોટ, : પ્રેમમગ્ન યુવાન હૈયાઓમાં તો સોના કરતા વધુ કિંમત સ્માર્ટ ફોનની છે, પ્રેમનુ મૂલ્ય છે અને ના માંગુ સોના ચાંદી, યહ મેરે કિસ કામ કે હૈ કે સોને ચાંદીમે, ઉંચે મહેલોમાં દર્દ જ્યાદા હૈ, ચૈન થોડા હૈ...ગીત જેવી માનસિકતા હોય છે પરંતુ, લોકોમાં રોકાણ માટે આજે પણ સોનુ મહત્વનું ગણાતું હોય અને ભારત સૌથી મોટો સોનાપ્રેમી ખરીદ્દાર દેશ છે ત્યારે હાલ વૈશ્વિક બજારની સાથે સોનાના ભાવમાં વધારો થતા અને તેમાં પણ ભારતમાં કૂલ 12.50 ટકાની ઈમ્પોર્ટ ડયુટી અને ૩ ટકા જી.એસ.ટી.ના પગલે સોનુ વધુ મોંઘુ થતા તેની પ્રતિકુળ અસર સુવર્ણ બજાર ઉપર વર્તાઈ છે.
દેશભરમાં સોનાચાંદીની માર્કેટમાં નં.1ના સ્થાન ઉપર રહેલ રાજકોટ સોની બજારમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ ટેક્સ સાથે રૂ।. 65,000 નજીક પહોંચી જતા તેના પગલે માર્કેટમાં મંદીના વાદળો છવાઈ રહ્યા છે. ગોલ્ડ ડીલર્સ એસો.ના સૂત્રોએ ઉમેર્યુ કે સોનુ મોંઘુ થાય ત્યારે ટેક્સ ઘટાડવાની કોઈ નીતિ નથી જે કારણે સતત ભાવ વધારાને કારણે સોનુ મોંઘુદાટ થતા લોકો ખરીદીને મોકુફ રાખી રહ્યા છે જેના પગલે 70થી 80 ટકા વેચાણ ઘટયું છે અને હાલ ધંધામાં તેજી હોય તેના બદલે મંદીના અણસાર જણાય છે.
સૂત્રો અનુસાર સોનાના ભાવ વધવા માટે (1) ભારતમાં દિવાળી ટાણે પૂષ્ય નક્ષત્ર સહિતની પરંપરાગત ખરીદી ઉપરાંત હાલ ચાલતા ધૂમ લગ્નગાળા માટે અગાઉ થતી ખરીદીથી માંગ વધી હતી (2) ઈઝરાયેલ-હમાસ યુધ્ધ સહિત રાજકીય અસ્થિરતાથી સોનાને સલામત રોકાણ ગણીને રોકાણકારો નિવેશ કરતા રહ્યા છે (3) રૂપિયો નબળો પડયો હોય વિદેશથી સોનુ ખરીદવા વધુ ભાવ ચૂકવવા પડે છે (4) હજુ ભાવ વધશે તેવી ગણત્રીએ રોકાણ અને નફા માટે સોનુ ખરીદાતુ હોય છે. આમ એકંદરે સેન્ટીમેન્ટ્સ બદલાતા સોનાના ભાવમાં સતત વધારાનો દોર શરૂ થયો છે.
ઉલ્લેખનીય છે કે સોનાના ભાવમાં સતત અસહ્ય વધારાના પગલે સામાજિક રિવાજ અને પરંપરા જાળવવા માટે કરિયાવર વગેરે માટે ખરીદાતા સોનામાં પણ ઘટાડો આવ્યો છે અને તેનું વલણ સતત ઘટી રહ્યું છે. કેટલીક જ્ઞાાતિઓમાં સગાઈ-લગ્ન પ્રસંગે અમુક તોલા સોનાનું ફરજીયાત હોવાનો આગ્રહ પણ પડતો મુકાઈ રહ્યો છે જ્યારે મહિલાઓમાં પણ સોનાના વિકલ્પે ચોરીનો ભય ન રહે અને મોંઘવારી ન નડે તેવા આકર્ષક ઈમીટેશન જ્વેલરીની માંગ વધી રહી છે.