જામનગર નજીક ગઈકાલે ઉર્ષ મુબારકના કાર્યક્રમની સાથે ઘોડા તેમજ ઊંટગાડીની રેસ યોજાઇ
Jamnagar : જામનગર તાલુકાના ઢીંચડામાં યા શાહ મુરાદશાહ પીર બુખારી વલીની દરગાહ શરીફમાં ગઈકાલે ઉર્ષ મુબારક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગઈકાલે બપોરે 2.30 વાગ્યે ઘોડા રેસ તેમજ ઉંટ ગાડીની રેસ યોજાઇ હતી.
જુદી-જુદી ત્રણ પ્રકારની ઘોડા રેસમાં કુલ 47 ઘોડા જોડાયા હતા. તેમાં સૌથી મોટા ઘોડાની રેસમાં પપ્પુ કાસમ ખફીનો પિસ્તોલ નામક ઘોડો પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યો હતો, જ્યારે હાજી ભા આયુબનો રાઇફલ નામનો ઘોડો બીજા સ્થાને પહોંચ્યો હતો. જે બંનેનો પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ બીજા રાઉન્ડમાં નાના ઘોડામાં જાફરભાઈ કોટાઈનો રોકેટ નામક ઘોડો પ્રથમ સ્થાને, જ્યારે ઇકબાલભાઈ મસિતિયાવાળાનો રોઝો નામનો ઘોડો બીજા સ્થાને રહ્યો હતો. ઉપરાંત ત્રીજા નાના વછેરા ઘોડાની રેસમાં ઈકબાલભાઈ મસીતીયા વાળાનો 222 નંબરનો ઘોડો પ્રથમ સ્થાને, પપ્પુભાઈ અખાણીનો 47 નંબરનો ઘોડો બીજા સ્થાને રહ્યો હતો. જે તમામ વિજેતાઓને પણ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે આરબી ઘોડાની રેસમાં એકમાત્ર હનીફભાઈ બેડીવાળાની અરબી ઘોડી પ્રથમ સ્થાને રહી હતી, અને તેમનું પણ પાઘડી પહેરાવીને સન્માન થયું હતું.
આ ઉપરાંત ઊંટ ગાડીની રેસમાં ચાર ઊંટગાડી જોડાઈ હતી. જેમાં અબ્દુલભાઈ ઉંમર ભાઈની ઊંટગાડી પ્રથમ સ્થાને, જ્યારે કરીમભાઈ બેડેશ્વર વાળાની ઊંટગાડી બીજા સ્થાને રહી હતી. જે બંનેને પણ પાઘડી પહેરાવી બહુમાન કરાયું હતું. ત્યારબાદ રાત્રિના કવ્વાલીનો કાર્યક્રમ યોજાયો હતો.