Get The App

આણંદ અને નડિયાદ મહાનગરપાલિકાના અમલની જાહેરાતની આશા ઠગારી નીવડી

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
આણંદ અને નડિયાદ મહાનગરપાલિકાના અમલની જાહેરાતની આશા ઠગારી નીવડી 1 - image


- સરકાર વારંવાર હાથતાળી આપતી હોવાનો શહેરીજનોનો આક્ષેપ

- આણંદમાં મંગળવારે રાત્રે અને નાતાલની રજામાં પણ પાલિકા કચેરીમાં સતત કામકાજ ચાલુ રખાયું : 4 દિવસમાં અંદાજે 8 કરોડથી વધુના કામના ટેન્ડરિંગ કરી દેવાયા 

આણંદ : રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ એટલે કે તા.૨૫ ડિસેમ્બરના રોજ આણંદ, નડિયાદ સહિત નવ નગરપાલિકાઓમાં મહાનગરપાલિકાના અમલીકરણની જાહેરાત કરવાની શક્યતાઓ પ્રબળ બની હતી. પરિણામે આખો દિવસ આણંદ અને નડિયાદવાસીઓ દ્વારા મહાનગરપાલિકાના અમલીકરણની જાહેરાતની કાગડોળે રાહ જોવામાં આવી હતી પરંતુ સાંજ સુધી જાહેરાત ન થતાં મહાપાલિકાના અમલની આશા ઠગારી નીવડી હતી. તેમજ સરકાર વારંવાર હાથતાળી આપતી હોવાના આક્ષેપો શહેરીજનોએ લગાવ્યા હતા.

આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે. ગરેવાલે જણાવ્યું હતું કે, અધિકારીઓ સવારથી મહાનગરપાલિકાની જાહેરાત સંદર્ભે સતત સંપર્કમાં રહ્યા છીએ. સરકાર તરફથી કોઇ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો નથી. સરકાર ક્યારે જાહેરાત કરે તે કહી શકાય તેમ નથી. મોડી રાત્રે અથવા થોડા દિવસો બાદ પણ જાહેરાત કરી શકે છે. હાલ આ સંદર્ભે ચોક્કસ માહિતી આપી શકાય તેમ નથી. 

જોકે, મહાપાલિકામાં પરિવર્તિત કરવાની જાહેરાતના સંદર્ભે મંગળવારે આખો દિવસ, રાત અને બુધવારે નાતાલની જાહેર રજા હોવા છતાં સરકારી વહીવટી કામો અને ગ્રાન્ટની રકમની ફાળવણી માટે આણંદ પાલિકા કચેરી સતત ચાલુ રહી હતી. પાલિકાના ચીફ ઓફિસર સહિત તમામ કમિટીના કર્મચારીઓને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ હોવાથી પાલિકાની ઓફિસ બુધવારે ધમધમતી રહી હતી. કોન્ટ્રાક્ટરોને બાકી પડતા બિલની રકમની ચુકવણીઓ સહિત ગ્રાન્ટની રકમની તાત્કાલિક ફાળવણી કરી કામોની તાંત્રિક મંજૂરી આપી દેવાઈ હતી. છેલ્લા બે દિવસમાં આણંદ પાલિકા દ્વારા શહેરમાં અંદાજે પાંચ કરોડથી વધુ રકમના રોડ, ગટર, સફાઈ સહિતના કામોના ઉદ્ધાટન કરી, ચાર દિવસમાં અંદાજે રૂ.૮ કરોડથી વધુની રકમના ટેન્ડરિંગ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

તેવામાં મહાનગરપાલિકાની જાહેરાત થાય તો તેની સાથે જ પાલિકાની ચૂંટાયેલી પાંખને  સુષુપ્ત કરી દેવામાં આવશે અને રાતોરાત ગ્રેડ-એના અધિકારીને પાલિકાના વહીવટદાર તરીકે નિમણૂંક કરી તુરંત ચાર્જ આપી દેવામાં આવશે. જેથી હાલમાં પાલિકાની ભાજપની બોડીએ રાતોરાત પાલિકાની તિજોરી ખાલી કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. 

વોર્ડ વિભાજનથી આણંદમાં ભાજપને નુકસાન થવાની ચર્ચા

હાલ આણંદ નગરપાલિકાની વસ્તી અંદાજે ૨.૨૬ લાખ છે. શહેરમાં ૯ વોર્ડના બાવન કાઉન્સિલરો છે. જેમાંથી ભાજપના અંદાજે ૩૬ સભ્યો જીતે છે. જ્યારે અન્ય બેઠકો પર કોંગ્રેસ અને અપક્ષ ચૂંટાઈને આવે છે. તેવામાં મહાનગરપાલિકા બને તો જીટોડીયા, ચિખોદરા, લાંભવેલ, કરમસદના વોટ વિભાજનમાં કોંગ્રેસનું વર્ચસ્વ હોવાથી મહાપાલિકામાં ભાજપને બહુમતિ મેળવવામાં અડચણો ઉભી થઈ શકે તેવું ચર્ચાઈ રહ્યું છે.


Google NewsGoogle News