Get The App

હોમિયોપેથીની વિદ્યાર્થિનીનો હોસ્ટેલમાં આપઘાત

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
હોમિયોપેથીની વિદ્યાર્થિનીનો હોસ્ટેલમાં આપઘાત 1 - image


- બાસણા મર્ચન્ટ કોલેજના સ્ટાફ દ્વારા ટોર્ચર કરાતું હોવાના ગંભીર આક્ષેપ સહપાઠીઓએ કરતાં હડકંપ

- દસાડાના નગવાડાની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા અન્ય છાત્રોએ હડતાલ પાડીને જ્યાં સુધી જવાબદારો સામે પગલાં નહી લેવાય ત્યાં સુધી શિક્ષણ કાર્યથી દૂર રહેવાનો નિર્ણય કરતાં દોડધામ

મહેસાણા: મહેસાણાથી વિસનગર હાઈવે પર આવેલ બાસણા મર્ચન્ટ કોલેજમાં બીએચએમએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલ સુરેન્દ્રનગરના દસાડાના નગવાડા ગામની વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે છાત્રોમાં આક્રોશ ફેલાયો હતો અને કોલેજના પ્રોફેસર દ્વારા તેઓને શિક્ષણ કાર્યમાં માનસિક ટોર્ચર કરવામાં આવતું હોઈ તેણીએ જીવન ટુંકાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો હતો. જયારે આક્રોશિત વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં તોડફોડ મચાવી જયાં સુધી જવાબદારો સામે પગલાં નહીં ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્યથી દૂર રહી હડતાલ શરૃ કરતાં દોડધામ મચી જવા પામી છે. 

બાસણા મર્ચન્ટ કોલેજમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલના રૃમ નંબર બી-૨૧૨માં બુધવારના રોજ બપોરના સુમારે બીએચએમએસના (હોમિયોપેથીક) પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી (૧૯ વર્ષ) રહે,નગવાડા, સુરેન્દ્રનગરની વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો.કેમ્પસમાં હાજર ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવીને ભારે સુત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મુક્યું હતું.  જયાં સુધી જવાબદારો સામે પગલાં નહીં ભરાય અને મૃતક છાત્રાને ન્યાય નહીં મળે ત્યાં  સુધી શિક્ષણ કાર્યથી દૂર રહીને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. જયારે સહપાઠીઓ દ્વારા હોસ્ટેલના રૃમમાં ગળે ફાંસો ખાનાર છાત્રાને બચાવવાનો પ્રયાસ પણ કોલેજના પ્રિન્સીપાલ કે પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યો ન હોવાના ગંભીર આક્ષેપ કરી પ્રોફેસર દ્વારા જનરલ લખવા સહિતના મુદ્દે માનસિક ટોર્ચર કરવામાં આવતું હોવાનો બળાપો કાઢ્યો હતો. ઉલ્લેખનિય છે કે, રૃમમાં  વિદ્યાર્થીનીને ફાંસો ખાધેલી હાલતમાં અન્ય છાત્રાઓ જોઈ જતાં બુમાબુમ કરી મુકવા છતાં કોઈ વ્હારે નહીં આવતાં તેમણે જ યુવતીને બચાવવાના પ્રયાસો કરી હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. પરંતુ કમનશીબે તેણીનું મોત નીપજ્યું હતું. જેના લીધે કોલેજના વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો અને કેમ્પસમાં તોડફોડ કરીને હોબાળો મચાવી દીધો હતો. ઘટનાને પગલે મર્ચન્ટ કોલેજમાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

- ઘટનાને દબાવવાનો પ્રયાસ થયો હોવાનો એબીવીપીનો આક્ષેપ

બાસણા મર્ચન્ટ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના રૃમમાં અગમ્ય કારણોસર એક વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવાની ઘટનાની જાણ થતાં એબીવીપીના કાર્યકરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમાં વિદ્યાર્થી સંગઠનના ગુજરાતના પ્રાંત સહમંત્રી દિપ દેસાઈએ કોલેજના પ્રિન્સીપાલ અને ટ્રસ્ટીઓ સામે ગંભીર આક્ષેપ કરીને ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે જયાં સુધી જવાબદારો સામે પગલાં તેમજ મૃતક છાત્રાને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

- હોમિયોપેથિક કોલેજ કેમ્પસમાં વિફરેલા છાત્રોએ તોડફોડ કરી

વિદ્યાર્થીનીના આપઘાતની ઘટનાને પગલે હોમિયોપેથીક કોલેજના છાત્રોમાં રોષ ફેલાયો હતો. જેના પગલે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ભારે સુત્રોચ્ચાર કરીને વાતવરણ ગજવી મુક્યું હતું. જયારે કેટલાક ઉશ્કેરાયેલા છાત્રોએ હોમિયોપેથીક કોલેજમાં તોડફોડ મચાવતાં મામલો એક તબક્કે તંગ બની જવા પામ્યો હતો.


Google NewsGoogle News