જામનગરની ન્યુ સાધના કોલોનીમાં ઘર વિહોણા ફલેટ ધારકોએ આશરો આપવા ધારાસભ્યને કરી રજૂઆત
Jamnagar : જામનગરની ન્યુ સાધના કોલોની એલઆઈજી બ્લોક નંબર 264 તથા 108 ના તમામ ફ્લેટ ધારકો કે જેના ફ્લેટ જર્જરિત થઈ જતાં મહાનગરપાલિકાએ તાત્કાલિક ખાલી કરાવી દીધા છે, અને છેલ્લા એક વર્ષથી તમામ રહેવાસીઓ ઘર વિહોણા બન્યા છે. તેઓને ન્યાય આપવા માટે જામનગર 79- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી સમક્ષ રજૂઆત કરાઈ છે, તેમજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું છે.
જે રજૂઆતમાં જણાવાયા અનુસાર તમામ ફ્લેટ ધારકો કે જે જામનગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં છેલ્લા 25 વર્ષથી રહેતા હતા. ત્યારબાદ 2024 ની સાલમાં તમામ બ્લોક તથા ફલેટોનું જામનગર મહાનગરપાલિકા તથા હાઉસીંગ બોર્ડ સાથે રહીને ડીમોલેશન કરવામાં આવ્યુ છે. તાત્કાલીક ધોરણે અમારા મકાન ખાલી કરાવવામાં આવ્યા છે, તથા અમોને બેઘર કરવામાં આવ્યા છે. આજ છેલ્લા એક વર્ષ થયા પાંચસો પરિવાર બે ઘર છીએ. તમામ ફલેટ ધારકો અત્યંત ગરીબ પરિવારના તથા માંડમાંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. હાલના આ મોંધવારીના જમાનામાં કોઈ પણ પરિવાર મકાન ભાડુ ભરી શકે તેમ નથી.
છેલ્લા એક વર્ષ જેવો સમય થઈ ગયો હોય હવે જીવન જીવવું બધા પરિવાર માટે અસહ્ય થઈ ગયુ છે. ત્યારે આ અંગે યોગ્ય કરવા સર્વે ફ્લેટધારકો દ્વારા ધારાસભ્ય દિવ્યેશ અકબરીના કાર્યાલયે પહોંચી જઈ ન્યાય અપાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત જામનગરના જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું. તમામ રજુઆત સાથે આજે તા.03-03-2025 ને સોમવારના રોજ સવારે ધારાસભ્ય દિવ્યેશ અકબરીની ઓફિસે રજુઆત કરી હતી.